કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સોમવારે ભાજપની સુવેન્દુ અધિકારી સરકારની કેબિનેટનું વિસ્તરણ કરાયુંું, જેમાં નવા 35 પ્રધાનોને સમાવાયા હતા. લોકભવનમાં યોજાયેલા શપથવિધિમાં નવા 35 પ્રધાનોએ હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લીધા હતા. 13 નેતાઓને કેબિનેટ મંત્રી, 3ને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો અને 19ને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા.
સોમવારે શપથ લેનારા 35 નવા મંત્રીઓમાં પ્રથમ વખત ધારાસભ્ય બનેલા સ્વપ્ન દાસગુપ્તાનો પણ સમાવેશ થાય છે. આ સાથે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની સરકારની સંખ્યા 41 થઈ ગઈ છે. 9 મેએ સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, નિશિય પ્રમાણિક, અશોક કિક્તનિયા અને ક્ષુદીરામ ટૂડુએ મંત્રી પદનાં શપથ લીધા હતા. આ વખતે કેબિનેટમાં અર્જુન સિંહ તેમજ તપસ રોયને લેવામાં આવ્યા હતા. બંધારણની કલમ-91ના સુધારા મુજબ રાજ્યની કેબિનેટમાં કુલ ધારાસભ્યોની સંખ્યાના 15 ટકા જેટલા પ્રધાનોને લઈ શકાય છે. આ મુજબ બંગાળમાં કેબિનેટમાં વધુમાં વધુ 44 પ્રધાનોને સમાવી શકાય. કેબિનેટના વિસ્તરણ પછી પ્રધાનોની સંખ્યા 41ની થઈ છે, એટલે કે હજી વધુ 3 મંત્રીઓનો સમાવેશ કરી શકાય છે.
પશ્ચિમ બંગાળ સરકારમાં ભારતની ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી ફાસ્ટ બોલર અશોક ડીડાને પણ સમાવાયા છે. ડીડા બંગાળની મોયના સીટ પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેમણે આ સીટ પર બીજી વખત વિજય મેળવ્યો હતો. 11 મેએ ખાતા ફાળવણી સમયે સુવેન્દુએ મહત્ત્વનાં ગૃહ મંત્રાલય અને નાણાવિભાગનો હવાલો પોતાની પાસે રાખ્યો હતો.

