બોગસ વર્ક પરમિટ પર વિદેશ મોકલતા અમદાવાદી પરિવારનો પર્દાફાશ

Wednesday 03rd June 2026 06:44 EDT
 
 

સુરતઃ વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોને શિકાર બનાવી કરોડો રૂપિયા ખંખેરી લેતી ગેંગ સુરત અને અમદાવાદમાં સક્રિય થઈ છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્ટુડન્ટ વિઝાનું કામ કરતા રવાણી પરિવારેે લંડનમાં કેર હોમની વર્ક પરમિટ અપાવવાના બહાને સુરતના એક પરિવારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદના બોપલ અને વિદેશમાં પણ ઓફિસ ધરાવતા રવાણી પરિવારે રૂ. 1.18 કરોડની છેતરપિંડી આચરતાં અશ્વિનભાઈ માયાણીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શરૂઆતમાં અશ્વિનભાઈએ સંબંધીઓની એક-બે ફાઇલો રવાણી પરિવારને આપી હતી, જેના વિઝા આવી જતાં ગ્રાહકો લંડન પહોંચ્યા હતા. આ સફળતા જોઈ અશ્વિનભાઈએ બીજી 7 ફાઇલનું કામ રવાણી પરિવારને સોંપ્યું હતું. જો કે લોકો લંડન પહોંચ્યા બાદ ખબર પડી કે ત્યાં આવી કોઈ કંપનીઓ અસ્તિત્વમાં જ નથી. આ શાર્પ માઇન્ડેડ પરિવારે એક કેર હોમનાં લાઇસન્સના આધારે બોગસ વર્ક પરમિટ બનાવીને લોકોને લંડન બોલાવી લીધા હતા. જો કે ત્યાં ગયા પછી લોકોને કોઈ કામ કે વિઝા મળ્યા નહોતા, જેથી તેમણે આ અંગે અશ્વિનભાઈને જાણ કરી હતી.
ભોગ બનનાર અશ્વિનભાઈએ જણાવ્યું કે, ગ્રાહકોએ જ્યારે લંડન પહોંચીને નોકરી ન મળતાં ફરિયાદ કરી ત્યારે રવાણી પરિવાર તેમની સાથે અભદ્ર ભાષામાં વર્તન કરવા લાગ્યો હતો. અમારી છેલ્લી બે ફાઇલમાં તો યુકે ઇમિગ્રેશન વિભાગે જ જણાવી દીધું કે, આ કંપનીના ડોક્યુમેન્ટ્સ ડુપ્લિકેટ છે, એટલે અમે વિઝા નહીં આપીએ. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભાવેશ રવાણીનો પુત્ર હર્ષ રવાણી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.


comments powered by Disqus