નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ લગભગ 8 વર્ષ બાદ ફરી એકવાર તેના પતિ માઇકલ બોલોસ સાથે ભારતના પ્રવાસે આવી હતી. ભારત પહોંચ્યા બાદ ટિફની ટ્રમ્પે દિલ્હીમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. મંદિરના ભવ્ય સ્થાપત્ય, સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિક વાતાવરણથી તેઓ ખૂબ પ્રભાવિત થયાં હતાં. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની મુલાકાતને યાદગાર અને અદ્ભુત ગણાવી હતી.
દિલ્હીથી ટિફની અને તેના પતિ આગ્રા પહોંચ્યાં હતાં, જ્યાં તેમણે વિશ્વવિખ્યાત તાજમહેલની મુલાકાત લીધી હતી. તેમણે સ્મારક પર લગભગ દોઢ કલાક વિતાવ્યો અને તેની ભવ્યતા તેમજ ઐતિહાસિક મહત્ત્વને નજીકથી નિહાળ્યું. તાજમહેલની મુલાકાત બાદ તેઓ રાજસ્થાનના જેસલમેર પહોંચ્યા હતા, રાજસ્થાની ઠાઠબાઠ સાથે તેમણે કિલ્લો નિહાળ્યો હતો.
જેસલમેર બાદ ટિફની અને માઇકલ જામનગરમાં અંબાણી પરિવારના વનતારાનાં ખાસ મહેમાન બન્યાં હતાં. ટિફની ટ્રમ્પ અને માઇકલ બોલોસ ચાર્ટર્ડ પ્લેન દ્વારા જામનગર એરપોર્ટ પર ઉતર્યાં ત્યારે પરંપરાગત શૈલીમાં તેમનું સ્વાગત કરાયું હતું.
વનતારા ખાતેનું આતિથ્ય માણીને ટેફની અને માઇકલ ખૂબ ખુશ થયા હતા, એટલું જ નહીં વનતારામાં વન્ય પ્રાણીઓની રખાતી સંભાળથી પ્રભાવિત પણ થયા હતા. ઉલ્લેખનીય છે કે ટેફની અને માઇકલે વનતારા ખાતે જ
રાત્રી રોકાણ કર્યું હતું અને 2 જૂને તેઓ રવાના થયાં હતાં.

