ભારતનો સૌથી મોટો સંરક્ષણ સોદો, 114 રાફેલ ફાઈટર જેટ ખરીદશે

Wednesday 03rd June 2026 06:44 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના (IAF) ની મારક ક્ષમતાને અનેક ગણી વધારવા માટે સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 114 દસોલ્ટ રાફેલ મલ્ટિ રોલ ફાઇટર જેટ ખરીદવા માટેના વિનંતી પત્રને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. અંદાજે રૂ. 3.25 લાખ કરોડના આ સોદા સાથે ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ મોટું ડગલું ભરી રહ્યું છે. આ સોદો ઇતિહાસનો સૌથી મોટો ફાઇટર એરક્રાફ્ટ સંરક્ષણ કરાર બની રહેશે.
આ મેગા સંરક્ષણ સોદાની સૌથી મોટી વિશેષતા તેનું સ્વદેશીકરણ છે. કરાર મુજબ 114 વિમાનો પૈકી આશરે 90 વિમાનો ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ અંતર્ગત ભારતમાં જ તૈયાર કરાશે.
આ ઐતિહાસિક નિર્ણય વચ્ચે ભારતીય એર ચીફ માર્શલ એ.પી. સિંહ 1 જૂનથી ફ્રાન્સના ત્રણ દિવસના પ્રવાસે પહોંચ્યા. આ મુલાકાત વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે દસોલ્ટ એવિએશન અને એમબીડીએ (MBDA) જેવી દિગ્ગજ સંરક્ષણ કંપનીઓના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી, જે આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવશે.
 મોદી ફ્રાન્સ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને જૂન મહિનામાં ફ્રાન્સ અને સ્લોવાકિયાના પ્રવાસે જશે. ભારત અને યૂરોપ વચ્ચે મજબૂત થઈ રહેલા વ્યૂહાત્મક સંબંધો માટે આ મુલાકાત મહત્ત્વની છે. વડાપ્રધાન મોદી ફ્રાન્સમાં યોજાનારા 52મા જી-7 શિખર સંમેલનમાં ભાગ લઈને વિશ્વના ટોચના નેતાઓ સાથે વૈશ્વિક મુદ્દે મંથન કરશે, તો સ્લોવાકિયા પહોંચીને નવો ઇતિહાસ પણ સર્જશે. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંએ આપેલા વિશેષ નિમંત્રણનો સ્વીકાર કરીને વડાપ્રધાન મોદી 15 થી 17 જૂન વચ્ચે એવિયાં લે-બાં શહેરમાં યોજાનારા 52મા જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે.


comments powered by Disqus