ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાને લઈ જાહેરનામું બહાર પડાયું છે. ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં ઉમેદવારી નોંધાવવાની અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જૂને મતદાન યોજાશે, જેના પરિણામે રાજ્યસભાના નવા સભ્યોની પસંદગી થશે.
શું છે ચૂંટણીનો કાર્યક્રમ?
ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉમેદવારો 8 જૂન સુધી પોતાનાં ઉમેદવારીપત્રો દાખલ કરી શકશે. ત્યારબાદ 9 જૂને ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરાશે, જ્યારે 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તરીકે નક્કી કરાઈ છે. 18 જૂને મતદાન યોજાશે અને ત્યારબાદ મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. ગુજરાત વિધાનસભામાં વર્તમાન સંખ્યાબળને જોતાં રાજ્યસભાની ચારેય બેઠકો પર ભાજપનું પ્રભુત્વ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે વિધાનસભામાં બહુમતીના આધારે ભાજપ તમામ બેઠકો સરળતાથી જીતવામાં સફળ થઈ શકે છે.
કોંગ્રેસ પોતાની અંતિમ બેઠક પણ ગુમાવશે
આ તરફ કોંગ્રેસ માટે આ ચૂંટણી ખાસ મહત્ત્વ ધરાવે છે. વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસ પાસે રાજ્યસભામાં જે છેલ્લું પ્રતિનિધિત્વ બચ્યું છે તે પણ સમાપ્ત થવાની શક્યતા ઊભી થઈ છે. જો અનુમાન મુજબ પરિણામ આવે તો ગુજરાતથી રાજ્યસભામાં કોંગ્રેસનો કોઈ સભ્ય નહીં રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે. રાજકીય દૃષ્ટિએ આ પરિસ્થિતિ રાજ્યના રાજકારણમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવાઈ રહી છે. રાજ્યસભા જેવી મહત્ત્વની સંસદીય સંસ્થામાં કોઈપણ પક્ષનું પ્રતિનિધિત્વ ન રહેવું એ તેના માટે રાજકીય પડકારસમાન છે. કોંગ્રેસ માટે આ પરિણામ આગામી ચૂંટણીની રણનીતિ પર પણ અસર કરી શકે છે.
ઉમેદવારો પસંદ કરવા ભાજપની મથામણ
ભાજપ આ અઠવાડિયામાં તેના ચારેય ઉમેદવાર ઘોષિત કરે તેવી શક્યતા છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ તથા ભાજપના રામ મોકરિયા, નરહરિ અમીન અને રમીલા બારાની 6 વર્ષની મુદ્દત 21 જૂને પૂર્ણ થઈ રહી છે. વિધાનસભામાં કોંગ્રેસના 12 ધારાસભ્યો હોઈ અને પ્રત્યેક બેઠક જીતવા માટે 37 વોટ જરૂરી હોઈ કોંગ્રેસે ચૂંટણીમાં ઉમેદવારી કરવાનું ટાળ્યું છે. આ સંજોગોમાં ભાજપ પાસે આ 4 સીટ સહિત રાજ્યની રાજ્યસભાની તમામ 11 બેઠકો ભાજપ શાસિત બની જશે.
ગુજરાત ભાજપથી સંભવિત ઉમેદવાર માટે સ્વાભાવિક રીતે દર વખતની માફક ભાજપ હાઇકમાન્ડ ઉમેદવારો ફાઈનલ કરશે. ગુજરાત ભાજપથી રાજ્યસભામાં રમીલા બારા અનુસૂચિત જનજાતિનું પ્રતિનિધિત્ત્વ કરતાં એકમાત્ર સભ્ય છે અને અનુસૂચિત જાતિના એકપણ સભ્ય રાજ્યસભા સાંસદ નથી. આ જાતિગત સમીકરણ ધ્યાને લેતાં 4 પૈકી એક ઉમેદવાર એસસીનો અને એક એસટીનો આવે તેવી શક્યતા પાર્ટીમાંથી વ્યક્ત થઈ રહી છે. જ્યારે એક ઉમેદવાર રાજ્ય બહારથી થોપવામાં આવે તેવી સંભાવના છે.

