અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 જૂને સુરત આવશે અને રૂ. 18 હજાર કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત હજીરાના એલએન્ડટી પ્લાન્ટની મુલાકાત બાદ ઇનડોર સ્ટેડિયમ ખાતે જાહેરસભા યોજાશે.
કાર્યક્રમને સફળ અને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં લોકપ્રતિનિધિઓ, વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાનના સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, મહાનુભાવો અને લાભાર્થીઓની અવરજવર સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી પૂર્ણ કરવાની સૂચના અપાઈ હતી.
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે કાર્યક્રમની રૂપરેખા અંગે પ્રેઝન્ટેશન રજૂ કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાનનો કાર્યક્રમ બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં તેઓ હજીરા સ્થિત એલ એન્ડ ટીના પ્લાન્ટની મુલાકાત લેશે અને વિવિધ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ બીજા તબક્કામાં સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે વિશાળ જાહેર કાર્યક્રમ યોજાશે, જ્યાં વડાપ્રધાન જનસભાને સંબોધિત કરશે. તેમાં અંદાજિત રૂ.18 હજાર કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોને લીલી ઝંડી મળવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે.

