વડોદરામાં યુવકની લાશ મળીઃ હત્યા સમયે પૂર્વ ક્રિકેટર હતો હાજર

Wednesday 03rd June 2026 06:44 EDT
 
 

વડોદરાઃ દાંડિયાબજાર વિસ્તારમાં 28 મેએ મોડીરાત્રે કારમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બાબુસિંહ ચૌહાણની તેમના જ મિત્ર હીરેન ઠક્કરે ચાકુના 7 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. હત્યા સમયે ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન બાબુસિંહની પાસે જ બેઠા હતા. ચાકુના 7 ઘા માર્યા પછી પણ બાબુસિંહે 100 મીટર કાર ચલાવી હતી અને એક થાંભલા સાથે અથડાઈ હતી. આ સાથે જ તેમનું મોત થયું હતું.
28 મેએ રાત્રે મૃતક બાબુસિંહ, હત્યારા હીરેન ઠક્કર અને પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન જમવા ગયા હતા, ત્યારે બાબુ સાથે ઉગ્ર બોલાચાલી થતાં હીરેન ત્યાંથી નીકળી ગયો હતો. જે બાદ હીરેને બાબુસિંહને તેના ઘર પાસે બોલાવ્યો હતો, જેથી જેકોબ માર્ટિન અને બાબુસિંહ હીરેનના ઘર પાસે પહોંચ્યા હતા, જ્યાં હીરેને કારમાં બેઠેલા બાબુસિંહને ચાકુના 7 ઘા મારી દીધા હતા. ઘટનાને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ, LCB ઝોન-2 અને સ્થાનિક પોલીસની ટીમોએ ગણતરીના કલાકોમાં જ આરોપી હીરેન ઠક્કરને પાણીગેટ વિસ્તારથી ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, જેકોબની પોલીસે રાત્રે પૂછપરછ ન કરતાં અને મેડિકલ ચેકઅપ ન કરાવતાં સવાલ ઊભા થયા છે.


comments powered by Disqus