નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગર સ્થિત વન્યજીવ રેસ્ક્યૂ અને પુનર્વસન કેન્દ્ર ‘વનતારા’ પર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા છે. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે નવી અરજી ફગાવતાં સ્પષ્ટ કર્યું કે, વનતારાનું કાર્ય સંપૂર્ણપણે કાયદેસર, પારદર્શી અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે. આ સંરક્ષણ રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સુધી પણ વિસ્તરિત રહેશે.
કોર્ટે કહ્યું કે, પૂર્વ જજની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય એસઆઇટી આ મામલે વિસ્તૃત તપાસ કરી ચૂકી છે. યુએઈ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોથી થયેલાં તમામ પશુ ટ્રાન્સફર બિનવ્યવસાયિક 'ઝૂ ટૂ ઝૂ’ ધોરણે અને કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય સત્તામંડળ (સીઝેડએ)ની મંજૂરી સાથે કાયદેસર રીતે કરાયાં હતાં. અદાલતે ઉમેર્યું કે, વનતારાએ સદ્ભાવનાથી કામ કર્યું છે, તેથી કોઈ વિદેશી નિકાસકારની અનિયમિતતાની જવાબદારી વનતારા પર નાખી શકાય નહીં.
વનતારાના સીઈઓ વિવેક મેનને ચુકાદાને આવકારતાં કહ્યું કે, ‘આ નિર્ણય તે સચ્ચાઈની પુષ્ટિ કરે છે, જેણે પ્રથમ રેસ્ક્યૂથી જ અમારું માર્ગદર્શન કર્યું છે. અમારી દેખરેખમાં આવેલા દરેક જીવ કાયદેસર રીતે લવાયાં છે. તેમની સાથે નૈતિક વ્યવહાર કરાયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે ન માત્ર અમારા કામની ઇમાનદારીને માન્યતા આપી છે, પરંતુ તેની પાછળની ભાવનાનો પણ સ્વીકાર કર્યો છે.

