સુરતની 12 વર્ષીય માન્યાનો શ્રીલંકામાં વાગ્યો ડંકો

Wednesday 03rd June 2026 06:44 EDT
 
 

સુરતઃ શ્રીલંકા ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ચેસ ગેમ્સ 2026માં ભારતીય ચેસ ખેલાડી અને સુરતની દીકરી માન્યા અભિષેક દ્રોલિયાએ શાનદાર પ્રદર્શન કરીને વૈશ્વિક મંચ પર દેશનો ડંકો વગાડ્યો છે. માન્યાએ પોતાના કૌશલ્યનો પરિચય આપતાં ત્રણ અલગ-અલગ ફોર્મેટમાં 3 મેડલ પોતાના નામે કર્યાં છે.
તેણે ક્લાસિકલ ફોર્મેટમાં ગોલ્ડ, બ્લિટ્ઝ ફોર્મેટમાં સિલ્વર અને રેપિડ ફોર્મેટમાં બ્રોન્ઝ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. એક જ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ત્રણેય રંગનાં મેડલ જીતીને તેણે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિવાય તેણે અત્યાર સુધી નાના-મોટા થઈને 85 મેડલ મેળવ્યાં છે, જેમાં 20 મેડલ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાનાં છે. હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી આ 12 વર્ષીય દીકરીની સિદ્ધિથી સમગ્ર ગુજરાત અને દેશ ગર્વ અનુભવી રહ્યો છે.
માન્યા માટે ક્લાસિકલ ફોર્મેટમાં ગોલ્ડ મેડલ સુધીની સફર અત્યંત રોમાંચક અને પડકારોથી ભરેલી રહી હતી. ટૂર્નામેન્ટના 8મા રાઉન્ડમાં માન્યાનો સામનો ભારતની જ મજબૂત પ્રતિસ્પર્ધી અને 1909 રેટિંગ ધરાવતી WCM (વુમન કેન્ડિડેટ માસ્ટર) પૂજાશ્રી સાથે થયો હતો, જેમાં માન્યાએ શાનદાર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ દબાણની સ્થિતિ વચ્ચે માન્યાએ શ્રીલંકાની 1758 રેટિંગ ધરાવતી ગોમેઝ વેનિસા ઓશિનીને માત આપી ભારત માટે ગોલ્ડ મેડલ પાકો કર્યો હતો.


comments powered by Disqus