રાજકોટઃ ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ 15 જૂન છે અને ગતવર્ષે 16 જૂને ચોમાસાનું આગમન થયું હતું. આ વખતે બંગાળની ખાડી, આંદામાન દરિયામાં ચોમાસાની ગતિ આરંભમાં ધીમી રહી છે, ત્યારે ચોમાસું અનિશ્ચિત છે. જો ચોમાસું ખેંચાય અને જુલાઈમાં જળાશયોમાં ધોધમાર પાણી આવવાનું શરૂ ન થાય તો જળસંકટની સંભાવના છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના 141 ડેમોમાં માત્ર 34.91 ટકા એટલે 31,915 એમસીએફટી પાણી છે. ઉનાળાના બે માસ દરમિયાન આ ડેમોથી 18.46 ટકા પાણીનો વપરાશ થયો છે. જ્યારે કચ્છમાં તા.27 માર્ચે જ સ્ટોરેજ 40 ટકાથી ઓછો થયો હતો અને આ સમયમાં 8 ટકા પાણી ઘટ્યું છે. કચ્છના 20 ડેમોમાં માત્ર 32.40 ટકા સંગ્રહ છે. એકંદરે રાજ્યના કુલ 207 પૈકી સૌરાષ્ટ્ર-કચ્છના 191 ડેમ હાલ 65 ટકાથી વધુ ખાલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના 141 ડેમ પર આધાર રાખનારાં સૌરાષ્ટ્ર-કચ્છનાં ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે.

