વડોદરાઃ ભારત સરકારની ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની પહેલને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાતના વડોદરાથી હવે આફ્રિકન દેશ રિપબ્લિક ઓફ મલાવીમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની નિકાસ કરવામાં આવશે.
આ ઐતિહાસિક ભાગીદારીના ભાગરૂપે મલાવીના હાઇ કમિશનર હિઝ એક્સેલન્સી લિયોનાર્ડ સેન્ઝા મેગેન્ઝીએ 29 મેએ વડોદરાની વિશેષ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વડોદરા નજીક પોર ખાતે આવેલી અગ્રણી ઇવી કંપની ‘મર્ક્યુરી ઇવી ટેક’ની વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી કંપનીની ઉત્પાદન ક્ષમતા તેમજ અત્યાધુનિક પ્રશંસા કરી હતી.
ચીન નહીં ભારત પર પસંદગી ઉતારી
આ વૈશ્વિક ઉપલબ્ધિ અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં મર્ક્યુરી ઇવી ટેકના ચેરમેન જયેશ ઠક્કરે જણાવ્યું કે, ‘મલાવી સરકાર સાથે ઇલેક્ટ્રિક વાહનોની નિકાસ કરવા માટે સત્તાવાર એમઓયુની પ્રક્રિયા હાલ અંતિમ ચરણમાં છે અને આગામી ટૂંક જ સમયમાં મેડ-ઇન-ઇન્ડિયા ઇલેક્ટ્રિક વાહનોનો પહેલો જથ્થો મલાવી મોકલાશે. આફ્રિકા ખંડમાં મલાવી દેશને તેની પ્રાકૃતિક સુંદરતાના કારણે ‘વાર્મ હર્ટ ઓફ આફ્રિકા’ તરીકે ઓળખવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ગ્રીન મોબિલિટી’ના વિઝનથી પ્રભાવિત થઈને મલાવી સરકારે પોતાના દેશને પ્રદૂષણમુક્ત રાખવા ચીનના બદલે ભારત સાથે કામ કરવું વધુ યોગ્ય માન્યું છે.’
મલાવીના રાષ્ટ્રપતિ સાથે બેઠક થશે
અગાઉ મલાવી સરકારની ટેકનિકલ ટીમે પ્લાન્ટની ચકાસણી કરી સંતોષ વ્યક્ત કર્યો હતો, જે બાદ હાઇ કમિશનરે મુલાકાત લીધી છે. આગામી 5 કે 6 જૂને મલાવીના રાષ્ટ્રપતિ સાથે મારી સત્તાવાર બેઠક નક્કી થઈ હોવાથી હું 3 જૂને મલાવી રવાના થઈ રહ્યો છું, જ્યાં આગળના પ્રોડક્શન પ્લાન અને રોકાણ અંગે આખરી નિર્ણય લેવાશે. ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે ઈવી વ્હીકલ અંગેની સમજૂતી થશે.

