આણંદઃ સંઘર્ષ અને મક્કમ નિર્ધાર હોય તો આભને પણ આંબી શકાય છે. આ ઉક્તિને આણંદની 32 વર્ષીય યુવતી એકતા શાહે સાર્થક કરી બતાવી છે. એક સામાન્ય ઓરડીમાં રહીને અભ્યાસ કરનારી એકતાએ અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસમાં નાસા (NASA) અનુદાનિત ફેલોશિપ દરમિયાન બ્રહ્માંડના શરૂઆતના તબક્કાના 6 નવા આકાશગંગા (ગેલેક્સી) સમૂહો શોધી કાઢ્યા છે.
સંસ્કૃતિના પ્રતીકસમાન નામ આપ્યાં
પોતાના સંશોધનને ભારતીય ઓળખ આપતાં એકતાએ આ 6 ગેલેક્સી સમૂહોને માનવ ઇન્દ્રિયો અને સંવેદનાઓ પરથી ‘દૃષ્ટિ’, ‘શ્રવણ’, ‘સુરભિ’, ‘રુચિ’, ‘સ્પર્શ’ અને ‘સ્મૃતિ’ જેવા અર્થસભર ભારતીય નામ આપ્યાં છે. તેમના આ સંશોધનને વૈશ્વિકસ્તરે માન્યતા મળી છે.
આર્થિક તંગી વચ્ચે ઝળકી સફળતા
એકતાના પિતા અર્જુનભાઈ એક ખાનગી કંપનીમાં સેલ્સમેન છે અને માતા લતાબહેન સિવણકામ કરીને પરિવારને આર્થિક ટેકો આપે છે. આ પરિવાર આણંદમાં એક NRI બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં વસવાટ કરે છે. અત્યંત મર્યાદિત સાધનો અને આર્થિક પડકારો હોવા છતાં માતા-પિતાએ પુત્રીના ઉચ્ચ શિક્ષણમાં ક્યારેય અવરોધ આવવા દીધો નહોતો. 6 વર્ષના સઘન સંશોધન બાદ Ph.D. મેળવી એકતાએ અમેરિકામાં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ મેળવી હતી.
સંશોધનના ટેકનિકલ પાસાં
ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ આ શોધ અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. નવા ગેલેક્સી સમૂહોની ઓળખ માટે ‘એમિશન સ્પેક્ટ્રા’ અને ‘એબ્સોર્પ્શન સ્પેક્ટ્રા’ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે.
ઓળખની રીત: ગેલેક્સીમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુના સ્તરને માપીને તેની ચોક્કસ ઓળખ નક્કી કરાય છે.
અંતર: આ સમૂહો પૃથ્વીથી એટલા દૂર છે કે પ્રકાશની ગતિએ મુસાફરી કરવા છતાં ત્યાં પહોંચતાં કરોડો વર્ષ લાગી શકે છે.
નિરીક્ષણ: પૃથ્વી પરથી ટેલિસ્કોપ દ્વારા આ સમૂહો મુખ્યત્વે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન જ જોઈ શકાય છે.

