સુરતઃ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર હવે સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ, હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર પડવાની ભીતિ ઊભી થઈ છે. તાજેતરમાં ડાયમંડ જ્વેલરી પર ટેરિફમાં મળેલી રાહતથી વેપારીઓમાં નવી આશા જન્મી હતી, પરંતુ યુદ્ધના ભણકારાએ બજારમાં અનિશ્ચિતતા વધારી દીધી છે. સુરક્ષાના કારણોસર એર કાર્ગો ફ્લાઇટ્સ રદ થતાં તૈયાર માલ વિદેશ મોકલવામાં અવરોધ ઊભા થયા છે અને સુરત-મુંબઈના એરપોર્ટ તથા બંદરો પર કરોડો રૂપિયાનો માલ અટવાઈ પડ્યો છે.
આ પરિસ્થિતિ લાંબી ચાલે તો પેમેન્ટ અટવાઈ જવાની અને નવા ઓર્ડર ઘટી જવાની અને પેમેન્ટ અટવાઈ જવાની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે. ભારતની કુલ જ્વેલરી નિકાસમાંથી આશરે 35 ટકા નિકાસ અમેરિકામાં થાય છે.
ટેક્સટાઇલ ચેઇન પર અસર
સુરતનો ટેક્સટાઇલ વેપાર મોટા પ્રમાણમાં દુબઈ મારફતે સંયુક્ત આરબ અમિરાત સહિત લગભગ 45 દેશો સાથે જોડાયેલો છે. અખાતી વિસ્તારમાં અસ્થિરતા વધે તો સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે. સુરતથી મેન-મેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની મોટાપાયે નિકાસ થાય છે. યુદ્ધની સ્થિતિમાં ભાડામાં વધારો, શિપિંગ વિલંબ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધતાં નિકાસ પર સીધી અસર થઈ શકે છે.
રફ ડાયમંડ સપ્લાય અને ટેન્ડરિંગ પર અસર
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાના જણાવ્યા મુજબ ઇરાન અને ગલ્ફ દેશોમાં ભારતની જેમ્સ એન્ડ જ્વેલરી નિકાસનો અંદાજે 8થી 10 ટકા હિસ્સો જાય છે. દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની અવરજવર પ્રભાવિત થતાં રફ ડાયમંડ ટ્રેડિંગને મોટો ફટકો પડી શકે છે, કારણ કે વિશ્વના લગભગ 60થી 65 ટકા રફ ટેન્ડરિંગ દુબઈમાં થાય છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ અશોક જીરાવાલાના જણાવ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે વિદેશી ખરીદારો નવા ઓર્ડર આપતાં ખચકાઈ રહ્યા છે અને પેમેન્ટ મોડું થવાની શક્યતા વધી છે.

