નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન વિભાગના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન- ડીજીસીએ દ્વારા એરલાઇન્સના રિફંડ ધારાધોરણોમાં ફેરફાર કરાયો. જે મુજબ પ્રવાસીઓ હવે ટિકિટનું બુકિંગ કરાવ્યા બાદ કોઈપણ વધારાનો ચાર્જ ચૂકવ્યા વિના 48 કલાકમાં કેન્સલ કે ફેરફાર કરી શકશે. જો કે આ વિકલ્પ ડોમેસ્ટિક સેકટરમાં પ્રવાસની તારીખ 7 દિવસ કરતાં વહેલી અને ઇન્ટરનેશનલ સેક્ટરમાં 15 દિવસ કરતાં વહેલી હશે તો નહીં મળે.
ડીજીસીએએ જણાવ્યું કે, એરલાઇન્સની વેબસાઇટ પરથી ટિકિટનું બુકિંગ કરાવ્યું હોય તો તેના 24 કલાકમાં પેસેન્જર તેના નામમાં રહી ગયેલી ભૂલ દર્શાવે તો તેને સુધારવાનો એરલાઇન્સે કોઈ ચાર્જ ન લેવો જોઈએ. પણ જો ટિકિટ ટ્રાવેલ એજન્ટ કે પોર્ટલ દ્વારા બુક કરાવાઈ હોય તો રિફંડની જવાબદારી એરલાઇન્સની રહેશે, કેમ કે એજન્ટ તેમના દ્વારા નીમવામાં આવેલા પ્રતિનિધિ જ છે. એરલાઇન્સે રિફંડની પ્રક્રિયા 14 દિવસમાં પૂરી થઈ જાય તે સુનિશ્ચિત કરવું. પ્રવાસીઓ દ્વારા રિફંડ સમયસર મળતું ન હોવાની ફરિયાદોને પગલે આ સુધારા કરવામાં આવ્યા છે.

