અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સાણંદ ખાતેથી માઇક્રોન સેમિકંડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો હતો. રૂ. 22,516 કરોડના રોકાણ સાથે AI ટેક્નોલોજીના ભવિષ્યને નવી તાકાત પૂરી પાડતાં આ પ્લાન્ટથી ઓટોહબ તરીકે જાણીતા સાણંદને હવે ભારતમાં સેમિકંડક્ટરના ગેટ-વે તરીકે નવી ઓળખ મળી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું, સાણંદથી દેશમાં ટેકક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભ થયો છે, આ પ્લાન્ટ દેશના ટેક-ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. સાણંદ આજે ગ્લોબલ મેપ પર સેમિકંડક્ટર હબ તરીકે ઊભરી રહ્યું છે.
21મી સદી AI રિવોલ્યુશનની સદી છે. વિશ્વમાં ભારત આજે કેપેબલ, કોમ્પિટિટિવ અને કમિટેડ મિત્ર અને ભાગીદાર તરીકે ઊભરી રહ્યું છે. સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેર ક્ષેત્રે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. ભારત અત્યંત ઝડપથી વૈશ્વિક સેમિકંડક્ટર વેલ્યૂ ચેઇનનો હિસ્સો બની રહ્યું છે. મોદીએ ‘ઇન્ડિયા ઇઝ રેડી, ઇન્ડિયા ઇઝ રિલાયેબલ એન્ડ ઇન્ડિયા ડિલિવર્સ’નું સૂત્ર આપ્યું હતું.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, દાયકા પૂર્વે દેશમાં ડેટા અને ચિપની ચર્ચા મર્યાદિત વર્તુળોમાં જ થતી. ટેક્નોલોજીના માત્ર IT સર્વિસીસ પૂરતી સીમિત હતી, પરંતુ આજે સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેર ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે. તેમણે આ પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતાં કહ્યું કે, જૂન-2023માં એમઓયુ થાય, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત અને આજે ફેબ્રુઆરી-2026માં કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થાય તે અશક્ય કામ ભારતે માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. અમારું લક્ષ્ય સંપૂર્ણ ઇકોસિસ્ટમના નિર્માણનું છે. ભારત હવે સમિકંડક્ટરની આખી વેલ્યૂ ચેઇન પર ફોકસ કરી રહ્યું છે. જેમાં ડિઝાઇન એન્જિનિયરથી લઈને મશીન નિર્માતા અને લોજિસ્ટિક્સ સુધીનાં તમામ સ્તરો સામેલ છે. જેમ-જેમ ઉત્પાદન વધશે તેમ ભારતની અંદર જ મટિરિયલ અને કોમ્પોનન્ટ્સની માગ વધશે, જે સ્થાનિક ઉદ્યોગો માટે સૌથી મોટી તક બનશે.
સાણંદ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં
વડાપ્રધાને સાણંદ સાથેનાં સંસ્મરણો વાગોળતાં કહ્યું, સાણંદ એ ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે છે. એક સમયે અહીં સાઇકલ પર ફરતા હતા. આજે તે જ સાણંદ વિશ્વના નકશા પર ‘સેમિકંડક્ટર હબ’ તરીકે ઊભરી રહ્યું છે. અહીં આવતા દેશ-વિદેશના ટેકનિશિયનોને મોદીએ ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર તેમને શ્રેષ્ઠ જીવનશૈલી અને સુવિધાઓ પૂરી પાડવામાં કોઈ કમી રાખશે નહીં. ગુજરાત AI અને સેમિકંડક્ટર ક્ષેત્રમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તરીકે ઊભરશે.

