દુબઈઃ મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા ભયાનક યુદ્ધની અસર હવે ટૂરિઝમના હબ ગણાતા દુબઈ પર જોવા મળી રહી છે. ઇરાને કરેલા હુમલા બાદ સુરક્ષાના કારણોસર દુબઈ એરપોર્ટ બંધ કરી દેવાતાં ગુજરાત સહિત ભારતનાં અન્ય રાજ્યોના પ્રવાસીઓ માટે મોટું સંકટ સર્જાયું છે. આવા સમયે JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન)ની દુબઈ વિંગ દ્વારા તેમને મોટી મદદ અપાઈ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હોટેલનાં ભાડાં આસમાને છે અને ફ્લાઇટ્સ કેન્સલ થતાં લોકોમાં ભારે ફફડાટ છે. એક તરફ ગમેત્યારે મિસાઇલ ત્રાટકવાનો ભય છે, ત્યારે અજાણ્યા દેશમાં રહેવા-જમવાની ચિંતા વચ્ચે ગુજરાતીઓની મદદે JITOની દુબઈ વિંગ આવી છે.
JITOએ ફસાયેલા લોકોને ભોજન અને રહેવા માટે હોટેલ્સ સાથે ટાઇઅપ કર્યું છે. જેથી લોકોને ઓછા ભાડામાં સારી સુવિધા મળી રહે. JITOએ મંગળવાર સુધી 500થી વધુ લોકોની મદદ કરી છે.
24 કલાક હેલ્પલાઇન
દુબઈ વિંગે હેલ્પ લાઇન માટે 8 મોબાઇલ નંબર જાહેર કર્યા છે, જેના પર કોઈપણ વ્યક્તિ 24 કલાક મદદ માટે ફોન કરી શકે છે. JITOએ એક હોસ્ટેલની પણ વ્યવસ્થા કરી છે, જેમાં એક સાથે 80થી 100 લોકો રહી શકે તેમ છે.
JITOના અમદાવાદ ચેપ્ટરના પ્રેસિડેન્ટ રાજીવ છાજેડે કહ્યું કે, હાલમાં ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેની અસર છેક દુબઈમાં પણ વર્તાઈ છે. દુબઈમાં ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે અને લોકો ફસાઈ ગયા છે. એમ સમજો કે એક પ્રકારે બધું જ બ્લોક થઈ ગયું છે. છાજેડે કહ્યું કે, JITO પરિવાર આખા વિશ્વમાં ફેલાયેલો છે. જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે તેઓ લોકોની મદદ કરે છે. અમારી એપેક્ષ બોડીએ દુબઈ ચેપ્ટર સાથે વાતચીત કરી હતી, ત્યારે સામેથી જ મદદની તૈયારી દર્શાવી હતી.

