બંને હાથ ગુમાવ્યા છતાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનું પદ મેળવતો રબારી યુવક

Tuesday 03rd March 2026 15:26 EST
 
 

દહેગામઃ ‘શારીરિક પંગુતા ક્યારેય સપનાંને રોકી શકતી નથી’ આ વાતને રબારી સમાજના બીજલભાઈ ગોકળભાઈ લોહે સાબિત કરી છે. બંને હાથ ન હોવા છતાં તેમણે રાજ્યકક્ષાની STI (State Tax Inspector) પરીક્ષા પાસ કરી સમગ્ર સમાજને ગૌરવ અપાવ્યું છે. સંઘર્ષ, આત્મવિશ્વાસ અને અડગ મનોબળની આ વાત અનેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
બીજલભાઈ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નોલી ગામના વતની છે. તેઓ સામાન્ય પરિવારથી આવે છે. વર્ષ 2008માં એક દુર્ઘટનામાં કરંટ લાગતાં તેમના બંને હાથ કાપવા પડ્યા. તે સમયે જીવન અંધકારમય લાગતું હતું, પરંતુ પરિવારના સહારે અને પોતાની અંદરની અડગ હિંમતથી તેઓ ફરી ઊભા થઈ શક્યા. અકસ્માત સમયે તેઓ ધોરણ-6માં હતા. ધોરણ-12 કોમર્સમાં 78.93 ટકા સાથે ઉત્તીર્ણ થયા બાદ અમદાવાદમાં બી.કોમ. પૂર્ણ કરી એમ.કોમ. સુધીનો અભ્યાસ કર્યો.
સરકારી નોકરી મેળવવા તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી. વર્ષ 2020માં રાયસણ લિંબોજ માતા મંદિર સાથે સંકળાયેલી અને વાળીનાથ ભગવાનના ઉપક્રમે ચાલતી નિઃશુલ્ક સંસ્થામાં તેમને પ્રવેશ મળ્યો. અહીં યોગ્ય માર્ગદર્શન, આત્મવિશ્વાસ અને સતત અભ્યાસ કરતા તેઓ લક્ષ્ય તરફ આગળ વધતા રહ્યા. તેનું પરિણામ 2023માં આવ્યું, જ્યારે તેઓ જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં સફળ થયા. તાજેતરમાં જાહેર થયેલી પરીક્ષામાં તેમણે ગુજરાતમાં બીજો ક્રમ મેળવ્યો અને જીપીએસસીમાં ઉમેદવારી નોંધાવી. સતત સંઘર્ષના બળે હવે STI પરીક્ષા પાસ કરીને તેમણે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે.


comments powered by Disqus