નવી દિલ્હીઃ 2013થી 2017 દરમિયાન બેન્ક ઓફ બરોડા સાથે રૂ. 2,220 કરોડથી વધુની છેતરપિંડી મામલે સીબીઆઇએ અનિલ અંબાણી અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ સામે વધુ એક કેસ કર્યો છે. કેસ દાખલ કર્યા બાદ સીબીઆઈએ અનિલ અંબાણીના ઘરે તેમજ આરકોમની રજિસ્ટર્ડ ઓફિસો પર સર્ચ હાથ ધર્યું હતું, જેમાં આ લોન ટ્રાન્ઝેક્શન્સના ડોક્યુમેન્ટ્સ કબજે લેવાયા હતા.
સીબીઆઇનો દાવો છે કે લોનની રકમનો દુરુપયોગ કરાયો હતો. આ ઉપરાંત આરકોમે તેને છુપાવવા કંપનીના હિસાબો સાથે ચેડાં પણ કર્યાં હતાં. દરમિયાન અનિલ અંબાણી રૂ. 40 હજાર કરોડના બેન્ક ફ્રોડ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ બીજા રાઉન્ડની પૂછપરછ માટે ગુરુવારે ઇડી સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમનું નિવેદન લેવાયું.
અનિલ અંબાણીનું આલીશાન ઘર ટાંચમાં
રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીનું મુંબઈસ્થિત ઘર ‘અબોડ' ઈડીએ બેન્ક ફ્રોડ કેસમાં ટાંચમાં લીધું છે. પાલીહિલ સ્થિત 17 માળના આ આલીશાન ઘરની કિંમત રૂ. 3716.83 કરોડ અંકાઈ છે. આ કેસમાં ઈડીએ અત્યાર સુધી રૂ. 15,700 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે.

