નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઇઝરાયેલ પ્રવાસ પૂરો કરી પરત ફર્યા. ભારત પાછા આવ્યા પછી મોદીએ વીડિયોથી ઇઝરાયલ મુલાકાતનો અનુભવ વર્ણવી મહત્ત્વની વાતો જણાવી. વીડિયોમાં ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત, ભારતીય સમુદાય સાથે મુલાકાત, સ્વાગતમાં ભારતીય સાંસ્કૃતિક નૃત્ય, ઇઝરાયલી સંસદમાં સ્વાગત વગેરે ઝલકો બતાવાઈ છે. આ સાથે ઇઝરાયલી સંસદમાં પીએમ મોદીનું સંબોધન, ઇઝરાયલનું સર્વોચ્ચ સન્માન મળવાની પળોને પણ દર્શાવાઈ છે. મોદીએ કહ્યું, ભારત-ઇઝરાયલ સંબંધો સમયની દરેક કસોટીએ ખરા ઉતર્યા છે. હવે અમે ભાગીદારીને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપવાનું નક્કી કર્યું છે.
બંને દેશો વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર પરસ્પર સહમતી થઈ. તેમાં સુરક્ષા, વેપાર, તકનિક, UPI અને કૃષિક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ સામેલ છે. તદ્ઉપરાંત ક્ષેત્રીય કનેક્ટિવિટીને પ્રોત્સાહિત કરતાં ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (આઈએમઈસી) અને ભારત-ઇઝરાયેલ-યુએઈ- યુએસએ વિશે પણ નવી ગતિથી આગળ વધવા પર સહમતી થઈ છે. નેતન્યાહૂએ જણાવ્યું કે ‘આઈએમઈસી પ્લસ’ નામનો નવો કોરિડોર વેપારમાર્ગથી આગળ વધી મોટા આર્થિક અને વ્યૂહાત્મક બ્રિજ સુધી વિસ્તરશે. તેમાં ઇજિપ્ત મુખ્ય કેન્દ્ર અને 5 આફ્રિકન દેશો ભાગીદાર હશે. આ ભારત, મધ્ય પૂર્વ અને યુરોપ વચ્ચે માલ, ઊર્જા અને ડિજિટલ કનેક્ટિવિટીને સરળ બનાવશે, તેમજ આફ્રિકાના દુર્લભ પૃથ્વી તત્ત્વોને બજારો સાથે જોડશે.
ભારત-ઇઝરાયેલ વચ્ચે થયેલા કરારો
• સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગ વધુ મજબૂત બતાવવા સહમતી.
• મુક્ત વ્યાપાર (એફટીએ)ને આગળ વધારવા પર ભાર મૂક્યો.
• યુપીઆઇ પેમેન્ટને ઇઝરાયલની Masav સાથે જોડવા સહમતી.
• શિક્ષણ-ઇમજિંગ ક્ષેત્રેમાં AIના ઉપયોગને પ્રોત્સાહનના કરાર.
• સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવા લેટર ઓફ ઇન્ટેન્ટ.
• ઇન્ડિયા-ઇઝરાયલ સેન્ટર ફોર એગ્રિકલ્ચર સ્થાપવા નિર્ણય.
• મત્સ્યોદ્યોગ, એક્વાકલ્ચર ક્ષેત્રે સહકાર વધારવા સહમતી.
• ઊર્જા અને સંસાધન ક્ષેત્રે દ્વિપક્ષી ભાગીદારી.
• સમુદ્રી ધરોહર, લોથલના વિકાસમાં સહયોગ માટે કરાર.
• સાંસ્કૃતિક સહયોગ વધારવા એમઓયુ.
• IFSCA, ઇઝરાયલ સિક્યોરિટીઝ ઓથોરિટી વચ્ચે સમજૂતી.

