અમદાવાદઃ અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે. બંને તરફ ભીષણ હુમલા થઈ રહ્યા છે. યુદ્ધના પગલે દુબઈ, અબુધાબી સહિત અન્ય ખાડી દેશોમાં આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સ બંધ છે, પરિણામે અનેક ગુજરાતી-ભારતીય પ્રવાસીઓ અટવાઈ પડ્યા છે. પરિસ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે, જેના કારણે દુબઈ-અબુ ધાબી ફરવા જનારા ઘણા પ્રવાસીઓએ હાલ પૂરતાં ટૂર પેકેજ રદ કરવા મન બનાવ્યું છે.
મોટાભાગના પ્રવાસીઓ દ્વારા પોતાની ટૂર કેન્સલ કરાવવામાં આવી છે, તો જૂજ પ્રવાસીઓએ ટૂર રિશિડ્યૂલ કરી છે. આમ ટૂર ઓપરેટરોની ચિંતા વધી છે. જો ઇઝરાયલ-ઇરાન યુદ્ધ પંદરેક દિવસ વધુ લંબાશે તો, ગુજરાતના ટૂર ઓપરેટરોને અંદાજે રૂ. 50 કરોડથી વધુનો આર્થિક ફટકો પડી શકે છે.
ગુજરાતથી દર મહિને બે હજાર પ્રવાસીઓ દુબઈ અને અબુધાબી જાય છે. ઘણા પ્રવાસી હોળી- ધુળેટીના શોર્ટ વેકેશનની મજા માણવા માટે દુબઈ-અબુ ધાબી પહોચ્યા હતા પણ યુદ્ધની સ્થિતિને પગલે ફસાયા છે. હવે ઉનાળુ વેકેશનમાં પણ દુબઈ-અબુ ધાબી જનારા પ્રવાસીઓની સંખ્યા ઘણી વધુ છે. માર્ચ-એપ્રિલનાં ટૂર પેકેજોનું સારું બુકિંગ થયું છે, ત્યારે જો આ જ સ્થિતિ રહી તો પ્રવાસીઓ બુકિંગ રદ કરી શકે છે.
યુદ્ધની પરિસ્થિતિને જોતાં છેલ્લી ઘડીએ દુબઈ-અબુધાબીનાં ટૂર પેકેજો રદ થયાં છે. હાલ ત્રણેક હજાર ગુજરાતીઓ શારજાહ, દુબઈ અને અબુધાબીમાં અટવાઈ પડ્યા છે, જેમને વતન લાવવા કેન્દ્ર સરકાર માટે પણ પડકાર છે. આ તરફ ટૂર બુકિંગ કેન્સલ થતાં ટૂર ઓપરેટરો પ્રવાસીઓને થોભો અને રાહ જુઓની સલાહ આપી રહ્યા છે.

