અમદાવાદઃ અમદાવાદથી 15 માર્ચ આસપાસ દુબઈ અને તેના પડોશી દેશોમાં વેકેશનનું આયોજન કરનારા પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા હતા. એકાએક યુદ્ધ શરૂ થઈ જતાં ભારતીય પ્રવાસીઓ મોટી સંખ્યામાં અટવાયા હતા. જો કે એક એમિરેટ્સ દ્વારા મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવાતાં પ્રવાસીઓને રાહત થઈ છે. જો કે તેમાં ફ્લાઇટ કેન્સલેશનનો ભોગ બનેલા મુસાફરોને પ્રાથમિકતા અપાશે, જે બાદ અન્ય બુકિંગ લેવામાં આવી રહ્યાં છે.
જો આગામી દિવસોમાં અન્ય શહેરોની ફ્લાઇટ્સ રાબેતા મુજબ શરૂ થશે તો અટવાયેલા તમામ લોકો હેમખેમ પરત ફરી શકશે તેવી આશા બંધાઈ છે. આ ઉપરાંત અમદાવાદથી ઉમરાહ માટે બુકિંગ કરાવનાર લોકો પણ અટવાયા છે.
ઉનાળામાં ગુજરાતીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન ગણાતા દુબઈના પ્રવાસ પર માઠી અસર પડી છે, જેના પરિણામે અંદાજે 20 ટકા લોકોએ બુકિંગ રદ કરાવ્યાં છે. મોટાભાગના પ્રવાસીઓ આર્થિક નુકસાનથી બચવા ટૂર ઓપરેટરો પાસે પ્રવાસને રિશિડ્યૂલ કરાવી રહ્યા છે. આ ચિંતા માત્ર દુબઈ જનારા પૂરતી મર્યાદિત નથી, પરંતુ દુબઈ થઈને લંડન કે અમેરિકા જતી કનેક્ટિંગ ફ્લાઇટ્સના મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાયા છે.
ઉમરા કરવા ગયેલા 800 પ્રવાસી જેદ્દાહમાં ફસાયા
ઇરાન-ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલી તંગદિલીના કારણે ખાડી દેશોનાં મોટાભાગનાં એરપોર્ટની સાથે એરસ્પેસ પણ બંધ થતાં ફ્લાઇટ્સનું સંચાલન લગભગ ઠપ થઈ ગયું છે. આથી અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ ભાગોમાંથી ઉમરા કરવા ગયેલા 800 જેટલા પ્રવાસી જેદ્દાહમાં ફસાયા છે. યુએસએથી અમદાવાદ કે દુબઈ આવી રહેલા પ્રવાસીઓને અન્ય દેશમાં મોકલવા ઉપરાંત કેટલાકને હોટેલમાં મોકલાયા છે.
અમદાવાદના ટૂર ઓપરેટર મહેશભાઈ ડુડકિયાએ જણાવ્યું કે, તેમના પરિચિત નિલુભાઈ યુએસએથી વાયા અબુધાબી થઈ અમદાવાદ આવી રહ્યા હતા, પરંતુ ફ્લાઇટ રદ કરાતાં તેમને પરિવાર સાથે અબુધાબીની હોટેલમાં ઉતારો અપાયો છે. એ જ રીતે ભૂપેન્દ્રભાઈ પણ યુએસએથી દુબઈ જતા હતા પણ ખાડી દેશોમાં એરસ્પેસ બંધ થતાં તેમની ફ્લાઇટ રોમમાં ડાઇવર્ટ કરી દેવાઈ છે. આ બંને લોકો સાથે સંપર્ક થઈ શક્યો નથી. અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય શહેરોમાંથી ઉમરા કરવા ગયેલા લોકો જેદ્દાહથી ભારત આવવાના હતા, પરંતુ એરસ્પેસ બંધ થતાં ફ્લાઇટ રદ કરાઈ છે. તમામને હોટેલમાં ઉતારો અપાયો છે.
ગલ્ફ દેશોમાં વસતા ગુજરાતીઓના શ્વાસ અધ્ધર
મધ્ય-પૂર્વના દેશોમાં વસતા અંદાજે 90 લાખ ભારતીયોમાં 7 લાખથી વધુ ગુજરાતી હોવાની શક્યતા નકારી શકાતી નથી. જે ત્યાંના અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે. ભારત સરકારના વિદેશ મંત્રાલયના રેકોર્ડ મુજબ, ગુજરાતના 46,766 શ્રમિકો તો માત્ર ‘ઈ-માઈગ્રેટ' પોર્ટલ પર નોંધાયેલા છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે, દુબઈ, મસ્કત અને કુવૈત જેવા શહેરોમાં હજારો ગુજરાતી પરિવારો પેઢીઓથી વસેલા છે અને ત્યાંના બિઝનેસ સેક્ટર પર તેમનું વર્ચસ્વ છે. દર વર્ષે ગલ્ફ દેશોમાં વસતા ભારતીયો અબજો ડોલરનું હૂંડિયામણ વતનમાં મોકલે છે. જેમાં ગુજરાતનું સ્થાન મોખરે છે. જો આ દેશોમાં સ્થિતિ વણસે, તો માત્ર રેમિટન્સ જ નહીં, પણ ગુજરાતના હીરા, ટેક્સ્ટાઈલ અને મરીન પ્રોડક્ટ્સના નિકાસ બજાર પર પણ હાલ પૂરતું તાળું લાગી જવાની સંભાવના છે.
10 ડોક્ટર્સ પરિવારના 44 લોકો ઓમાનમાં ફસાયા
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ જિજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, અમે 10 ડોક્ટર્સ સહિત કુલ 44 ગુજરાતી ઓમાન ફરવા આવ્યા હતા, પરંતુ ઇઝરાયલ-ઇરાન સંઘર્ષને કારણે એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સ સ્થગિત કરતાં ચિંતા વધી ગઈ હતી. અમારી 4 માર્ચની રિટર્ન ફ્લાઇટ બાબતે અમે સોશિયલ મીડિયા પર મદદ માગી અને ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો. જો કે ઓમાન તટસ્થ દેશ હોવાથી અમને અહીં કોઈ તકલીફ નથી. હવે સારા સમાચાર મળ્યા છે કે એર ઇન્ડિયા સેવા ફરી શરૂ કરી રહી છે, એટલે 5 માર્ચ સુધીમાં સલામત રીતે અમદાવાદ પરત ફરીશું તેવી પૂરી આશા છે. અત્યારે અમે તમામ 44 પ્રવાસી હેમખેમ છીએ.’
ખાડી દેશોના યુદ્ધમાં હજારો ગુજરાતીઓ ફસાયા, ઇઝરાયલમાં બંકરો જ આશરો
ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળતાં ઇઝરાયલમાં વસતા ગુજરાતના હજારો કામદારો દયનીય સ્થિતિમાં મુકાયા છે. નર્સિંગ અને હોમટેકર તરીકે ત્યાં કામ કરતી મહિલાઓને લઈને ગુજરાતમાં તેમના પરિવારજનો ચિંતિત બન્યા છે. આ અંગે ઇસનપુરના રહીશ પ્રકાશ કલ્યાણ દેસાઈના મતે તેમના વિસ્તારથી મોટી સંખ્યામાં લોકો ઇઝરાયલના રખાવત નામના વિસ્તારમાં વસે છે. તેમની સુરક્ષાને લઈને અમદાવાદમાં વસતા પરિવારો ચિંતિત છે. ફોન પર તેઓ સતત સંપર્કમાં રહે છે અને હેમખેમ અંગેની પૃચ્છા કર્યા કરે છે. ઇઝરાયલમાં વસતા અમદાવાદીઓના મતે હાલ ત્યાં રોડ પર બહાર નીકળી શકાતું નથી. દરેકને બંકરમાં છુપાઈને રહેવાની સૂચના છે. હાલ તેઓ બંકરોમાં દિવસો કાઢી રહ્યા છે.

