યુદ્ધની અસરઃ કંડલામાં 16 અને મુંદ્રા બંદરે 20 જહાજો અટકી પડ્યાં

Tuesday 03rd March 2026 15:18 EST
 
 

ગાંધીધામઃ ઇઝરાયલ-ઇરાન સંઘર્ષની અસર કચ્છના કંડલા અને મુંદ્રા બંદર પર વરતાવાની શરૂ થઈ છે. હાલમાં બંને બંદર પર 36 જહાજો થંભી ગયાં છે. ગુજરાતના દરિયાકિનારે આવેલાં બંદરો અને ઉદ્યોગો આ વૈશ્વિક તણાવથી સીધા પ્રભાવિત થશે અને ખાડીના દેશોથી આવતા તેલ અને ગેસનાં જહાજો અટકી જશે. યુદ્ધ લાંબું ચાલશે તો કંડલા અને મુંદ્રા બંદરથી શિપિંગમાં વિલંબ થવાથી એક્સપોર્ટ- ઇમ્પોર્ટ સાથે જોડાયેલા વ્યવસાયકારોને મોટું નુકસાન થશે.
ઇરાન સાથેના અને ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધની અસરથી કચ્છમાં શિપિંગલાઇનના વ્યવસાયકારો અને આયાત-નિકાસકારો મૂંઝવણમાં મુકાયા છે. કચ્છના કંડલા અને મુંદ્રા બે મહાબંદરોના રૂટે જતાં જહાજોની સેવા ખોરંભાવાની શરૂઆત થઈ છે. મિડલ ઈસ્ટના રૂટ પર 5 હજાર જેટલાં કન્ટેનર કાર્ગો અટવાયા હોવાનો અંદાજ છે.
શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા મુજબ આ યુદ્ધની અસરથી કંડલા બંદરેથી 8 કન્ટેનર જહાજ અને 8 બલ્ક કાર્ગોની હેરફેર આયાત-નિકાસને અસર થશે. જો યુદ્ધ લાંબું ચાલશે તો કંડલા અને મુંદ્રા બંદરે તેમજ કન્ટેનર યાર્ડ, ઉત્પાદક ફેક્ટરી અને કન્ટેનર્સમાં માલનો ભરાવો થશે. મુંદ્રા બંદરેથી મિડલ ઇસ્ટ રૂટના 20થી 25 જહાજને અસર થતાં ચોખા, મીટ, કૃષિ સહિતનાં શિપમેન્ટ બંદરો પર રોકાઈ શકે છે. કચ્છના કંડલા અને મુંદ્રા બંદરેથી મોટો જથ્થો ઈરાન નિકાસ થાય છે. ઈરાન ભારતની કુલ બાસમતી ચોખાની નિકાસનો 18-20 ટકા હિસ્સો ધરાવે છે.


comments powered by Disqus