લોથલ મેરિટાઇમ મ્યુઝિયમ માટે ભારત અને ઇઝરાયલ વચ્ચે MoU

Tuesday 03rd March 2026 13:25 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ હવે આંતરરાષ્ટ્રીય સહયોગથી વધુ ગતિ પકડે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇઝરાયલ પ્રવાસ દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે થયેલા મેમોરેન્ડમ ઓફ અંડર સ્ટેન્ડિંગ (MoU) બાદ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને નવો વેગ મળ્યો છે.
ભારત-ઇઝરાયલ એમઓયુ અંતર્ગત મેરિટાઇમ મ્યુઝિયમ ડિઝાઇન, ડિજિટલ પ્રદર્શન, ઇન્ટરએક્ટિવ ગેલેરી અને સંશોધન સહયોગ જેવાં ક્ષેત્રોમાં ઇઝરાયલના નિષ્ણાતોનો લાભ મળશે. ઇઝરાયલના અદ્યતન મ્યુઝિયમ ટેક્નોલોજી અને ઇમર્સિવ એક્ઝિબિશન ડિઝાઇનના અનુભવને ધ્યાનમાં રાખીને લોથલ કોમ્પ્લેક્સને વૈશ્વિક સ્તરના ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનો પ્રયાસ કરાશે.
લોથલ પ્રાચીન સિંધુ સંસ્કૃતિનું એક અગત્યનું બંદર માનવામાં આવે છે. તેને આધુનિક સમયમાં વૈશ્વિક મેરિટાઇમ હેરિટેજ સેન્ટર તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકારે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની યોજના અમલમાં મૂકી છે. આ કોમ્પ્લેક્સમાં મેરિટાઇમ મ્યુઝિયમ, લાઇટ હાઉસ ગેલેરી, જહાજ નિર્માણ પરંપરા, નેવિગેશન ટેક્નોલોજી અને ભારતીય સમુદ્રી ઇતિહાસનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ ગુજરાતના પર્યટન ક્ષેત્ર માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે. ધોલેરા, ભરૂચ અને અમદાવાદને જોડતા આ વિસ્તારને મેરિટાઇમ હેરિટેજ સર્કિટ તરીકે વિકસાવવાની યોજના છે, જેના કારણે સ્થાનિક રોજગાર, હોટેલ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થવાનો અંદાજ છે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટનું મોનિટરિંગ થઈ રહ્યું છે અને તબક્કાવાર કામ આગળ વધી રહ્યું છે. MoU બાદ ડિઝાઇન અને ટેકનિકલ સહયોગ ઝડપથી આગળ વધશે.


comments powered by Disqus