હજીરામાં 5000 કર્મચારીઓનું પગાર વધારાની માગ સાથે તોફાન

Tuesday 03rd March 2026 15:36 EST
 
 

સુરતઃ પાણીપતમાં એલએન્ડટીના કર્મચારીઓના ચાલી રહેલા વિવાદના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ ગુરુવારે હજીરામાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ પ્લાન્ટમાં કામ કરતા એલએન્ડટીના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ પગાર વધારાની માગ સાથે હોબાળો શરૂ કર્યો હતો. શરૂઆતમાં કર્મચારી-કામદારોને શાંત પાડવાનો પ્રયાસ કરાયો, પરંતુ વિરોધ ગણતરીની મિનિટોમાં જ દાવાનળની જેમ ફેલાઈ ગયો હતો.
તોફાને ચડેલા કર્મચારીઓએ કંપનીમાં રહેલાં કાર અને ફાયરબ્રિગેડની ગાડીઓ સહિતનાં વાહનોમાં તોડફોડ અને આગ લગાવી હતી, જે બાદ ઓફિસોમાં પણ તોડફોડ કરી હતી. સ્થિતિ વિકટ બનતાં જ સુરત પોલીસનાં ધાડેધાડાં કંપની પર પહોંચ્યાં હતાં. તોફાને ચડેલા કર્મચારીઓને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને 40 જેટલા ટિયરગેસના શેલ છોડવાની ફરજ પડી હતી અને બપોરે 2 વાગ્યા આસપાસ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
લેબર કોર્ટનું નોટિફિકેશન આવતાં જ લાગુ કરાશે
આ અંગે લાર્સન એન્ડ ટુબ્રોએ એક સ્ટેટમેન્ટ આપતાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા લેબર કોડનું નોટિફિકેશન લાગુ કરવામાં આવશે, ત્યારે તેના તમામ નિયમો તાત્કાલિક અસરથી અમે લાગી કરીશું.
5000 કર્મચારીઓ વિફર્યા
કંપનીના નિર્માણાધીન નવા પ્લાન્ટમાં વહેલી સવારે સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની હતી, જ્યારે 5000થી વધુ કર્મચારીઓ એકાએક વિફર્યા હતા. આ આક્રોશ પાછળનું મુખ્ય કારણ પગાર વધારાની લાંબા સમયથી પડતર માગણીઓ અને કામના કલાકોમાં કરવામાં આવેલો વધારો હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus