રામમંદિર દાનચોરીના મુદ્દે વિપક્ષનું નુક્કડ નાટકઃ સંતસમાજ આકરાં પાણીએ

Wednesday 05th August 2026 08:38 EDT
 
 

ન વી દિલ્હીઃ સંસદમાં શુક્રવારે વિપક્ષે અયોધ્યાના રામમંદિરમાં દાનચોરીનો મુદ્દો નુક્કડ નાટક સાથે ઉઠાવ્યો. આ નાટકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો. તેમણે પ્રતીકાત્મક રૂપે દાનપેટીમાં પૈસા નાખ્યા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સમાજવાદી પાર્ટીના અનેક સાંસદો જોવા મળ્યા. આ નાટકને જોવા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આવ્યાં હતાં.
બીજી તરફ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ પરિસરમાં સાંસદો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિપક્ષે સંસદ પરિસરમાં નુક્કડ નાટક ત્યારે ભજવ્યું, જ્યારે તેને સંસદની અંદર આ મામલો ઉઠાવવાની મંજૂરી નહોતી મળી. લોકસભા અને રાજ્યસભામાં તેમણે રામમંદિર દાનચોરી મુદ્દે નારા લગાવ્યા હતા. કોંગ્રેસે રાજ્યસભામાં નોટિસ આપીને કૌભાંડની તપાસની સાથે ઓડિટ કરાવવાની માગ કરી છે.
દાનચોરીના કૌભાંડના મુદ્દે ઉત્તરપ્રદેશના સંતસમાજે દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી છે, જ્યારે કેટલાક સંતોએ ધાર્મિક પ્રતીકોના રાજકીય ઉપયોગ સામે વિરોધ નોંધાવ્યો છે. મહંત નૃત્ય ગોપાલદાસ સહિતના અયોધ્યાના અગ્રણી સંતોએ પારદર્શક તપાસ અને દોષિતો પર કાયદાકીય પગલાંની માગ કરી છે. આ સાથે મથુરા અને યુપીના સંતસમાજે સંસદ બહાર ભગવાં વસ્ત્રો કે પૂજારીના સ્વાંગમાં કરાયેલા પ્રતીકાત્મક રાજકીય વિરોધોને સનાતન આસ્થાનું અપમાન ગણાવ્યું છે અને વિરોધ કરનારા નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો છે.


comments powered by Disqus