સોમનાથ મંદિર નીચે બૌદ્વ ગુફાનો દાવોઃ હાઈકોર્ટે અરજી ફગાવી

Tuesday 04th August 2026 08:20 EDT
 
 

અમદાવાદઃ સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ગુફાઓ હોવાનો દાવો કરતી જાહેર હિતની અરજી અગાઉ રૂ. 2 લાખના દંડ સાથે ફગાવનારી ગુજરાત હાઇકોર્ટે હવે તે જ મામલે દાખલ કરાયેલી રિવ્યૂ અરજી પણ નકારી કાઢી છે.
અરજદાર તરફથી રજૂઆત કરાઈ હતી કે એક અઠવાડિયા બાદ સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ તથા બોમ્બે હાઇકોર્ટના પૂર્વ જજ કેસમાં રજૂઆત કરવા માગતા હોવાથી સમય આપવામાં આવે. જો કે કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. અરજદારનાં વકીલ રત્ના વ્હોરાએ સમય માગતાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અરજીમાં નવા વકીલની રજૂઆતના આધારે સુનાવણી મુલતવી રાખવાનો પ્રશ્ન ઊભો થતો નથી. કોર્ટે કહ્યું કે જો રજૂઆત કરવાની હોય તો હાલ જ કરો, પરંતુ માત્ર સિનિયર કાઉન્સિલ હાજર થાય તે માટે સમય આપી શકાય નહીં. બાદમાં કોર્ટે રિવ્યૂ અરજી પણ ફગાવી હતી. વર્ષ 2017માં IIT ગાંધીનગરના સરવેનો ઉલ્લેખ કરીને મંદિર નીચે બૌદ્ધ ગુફાઓ હોવાનો દાવો કરાયો હતો.
IIT ગાંધીનગરના સરવે પર દાવો કર્યો હતો
2017માં IIT ગાંધીનગર દ્વારા કરાયેલા સરવેનો ઉલ્લેખ કરીને દાવો કરાયો હતો કે, સોમનાથ મંદિરની નીચે બૌદ્ધ ગુફાઓ આવેલી છે અને તે અંગેનો સરવે જાહેર કરવામાં આવે. મૂળ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી અરજીનો કડક વિરોધ કરાયો હતો અને અરજીને પબ્લિસિટી મેળવવાના હેતુથી કરાઈ હોવાનું ગણાવ્યું હતું.


comments powered by Disqus