અમે આવીએ ત્યારે જ નહીં, કાયમ રોડ સારા રાખોઃ CM

Tuesday 06th January 2026 15:36 EST
 
 

મહેસાણાઃ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક વર્ષ પૂર્ણ થવાના અવસરે પંડિત દીનદયાળ ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના રૂ. 140 કરોડ અને અન્ય વિસ્તારના રૂ. 696 કરોડ મળી કુલ રૂ. 836 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ ટાઉનહોલમાં સંબોધનમાં કહ્યું કે, હમણાં મહેસાણામાં પ્રમુખ અને હું બંને ગાડીમાં આવતા હતા. મેં પૂછ્યું, અત્યારે આ રોડ ચોખ્ખો દેખાય છે, આવી સારી સફાઈ રોજ રહે છે કે નથી રહેતી? અમે આવીએ એટલે ચોખ્ખું જોઈએ, રોડ રિપેર થઈ જાય એવું અમારા મગજમાં ક્યારેય નથી, બિલકુલ નથી.
અમે કહીએ છીએ કે, કાયમ રોડ આવા જ રહેવા જોઈએ. અમે તમને ક્યાં ના પાડવા આવ્યા કે ના કરશો. ‘પહેલાથી સફાઈ થાય છે’ તેવું જનમેદનીને પૂછતાં હામાં હુકાર કરી સૌ મુખ્યમંત્રીની નિખાલસતા સાથેની રમૂજથી હસી પડ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે જે પણ કામ કરીએ એ ક્વોલિટીવાળું હોવું જોઈએ. ક્વોલિટીવાળું કામ ન હોય તો એ નહીં ચાલે. તમારે એના પર ભાર મૂકવો જ પડે અને આ જવાબદારી છે. ક્યાંક નાગરિકો તેમની સમસ્યાના વીડિયો વાઇરલ કરે તો નકારાત્મક રીતે ન લેવું જોઈએ. સકારાત્મક રીતે તેનો ઉકેલ લાવવો જોઈએ.


comments powered by Disqus