ઇન્દોરઃ દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરના ભગિરથપુરામાં 8 દિવસથી પીવાનું દૂષિત પાણી પીવાથી 17થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 3000થી વધુ લોકો બીમાર પડ્યા છે, જેમાંથી 34ને આઇસીયુમાં દાખલ કરવા પડ્યા છે.
ભગિરથપુરામાં 'ઝેરી' પાણી પીવાથી ઝાડા-ઊલટીના નવા 338 કેસ નોંધાયા છે. આ ઝેરી પાણી પીવાથી શુક્રવારે વધુ એક વૃદ્ધ મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. દૂષિત પાણી પીવાથી લોકોનાં મોત થતાં અને ઝાડા-ઊલટીનો રોગચાળો ફાટી નીકળતાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. બીજી બાજુ આ રોગચાળાનું કારણ પીવાનું દૂષિત પાણી હોવાનું લેબ ટેસ્ટમાં પુરવાર થતાં રાજ્ય સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે.
દેશમાં 8 વર્ષથી ભારતના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતનારા મધ્યપ્રદેશના આર્થિક પાટનગર ઇન્દોરના ભગિરથપુરામાં પીવાનું દૂષિત પાણી નાગરિકો માટે જીવલેણ સાબિત થયું છે. ટોઇલેટવાળું ઝેરી પાણી પીવાથી શુક્રવારે વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું. વૃદ્ધ મહિલાને શહેરની અરવિંદો હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. મુખ્યમંત્રી મોહન યાદવે આ આપદાનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને રૂ. 2 લાખની સહાય જાહેર કરી હતી.

