ગાંધીનગરઃ ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ઇન્દોરવાળી એટલે કે પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પાટનગરના જૂના સેક્ટરોમાં 104 બાળકો સહિત કુલ 180થી વધુ દર્દીને દાખલ કરીને સારવાર આપવી પડી હતી. સમગ્ર ઘટનામાં આગામી દિવસોમાં હજુ કેસ વધવાની શક્યતા છે.
ઇન્દોરની જેમ ગાંધીનગરમાં પણ જળકાંડ સર્જાયો છે. દૂષિત પાણી પીવાથી પાટનગરના જૂના સેક્ટરો જેવા કે સેક્ટર-24, 25, 26 અને સેક્ટર 27 ઉપરાંત આદીવાડા તથા જીઆઇડીસી વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. અહીં રહેતા પરિવારોમાં ખાસ કરીને બાળકો વધુ પ્રભાવિત થયાં છે અને તેમને દાખલ કરીને સારવાર આપવી પડી રહી છે. દિનપ્રતિદિન ટાઇફોઇડના દર્દીમાં વધારો થઈ રહ્યો છે.
શનિવારે 3 જાન્યુઆરી સાંજ સુધીમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બાળદર્દીથી ઊભરાઈ હતી અને વિભાગમાં પથારીઓ ખૂટી પડી હતી, જેથી અલાયદો વધારાનો વોર્ડ તાત્કાલિક ખોલાયો હતો. અહીં 100થી પણ વધારે બાળદર્દીને દાખલ કરીને સારવાર અપાઈ રહી છે, તો બીજી બાજુ મેલ અને ફિમેલ વોર્ડમાં પણ 80 જેટલા દર્દી દાખલ હોવાનું જાણવા મળી રહ્યું હતું. ગાંધીનગર જિલ્લાની સ્થિતિ જોતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે તાકીદના ધોરણે બેઠક યોજી હતી.

