નવસારીઃ પૂર્ણા નદી પર નવા પુલના નિર્માણ માટે જમીન સંપાદન પ્રક્રિયા તેજ બની છે. આ પ્રોજેક્ટમાં પારસી સમાજની 500 વર્ષ જૂની પવિત્ર ડુંગરવાડી (સ્મશાન)ની જમીન કપાતમાં આવતાં સમાજમાં રોષ જોવા મળ્યો. શુક્રવારે મોટી સંખ્યામાં પારસી અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
શું કહેવું છે પારસી સમાજનું?
પારસી સમાજનું કહેવું છે કે, ડુંગરવાડી તેમની 500 વર્ષ જૂની ધરોહર છે. અગાઉ 6 વર્ષ પહેલાં પણ રસ્તો પહોળો કરવા સ્વેચ્છાએ જમીન આપી હતી અને રૂ. 35 લાખના ખર્ચે નવી પ્રોટેક્શન વોલ બનાવાઈ હતી. હવે ફરીથી રોડ માટે જમીન માગવી યોગ્ય નથી.
નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝના વાઇસ ચેરમેન કેરસી દેબુએ જણાવ્યું કે, ‘અમારી પવિત્ર જગ્યા પર હવે અતિક્રમણ સહન નહીં
કરાય. હાલનો 18 મીટરનો રસ્તો નવા પુલ માટે પૂરતો છે, ત્યારે વધારાની જમીન સંપાદિત કરવાની જરૂર નથી.
ડુંગરવાડીની અંદર 200 વર્ષ જૂની ઇમારતો અને ધાર્મિક સ્થાનો આવેલાં છે, જેની બિલકુલ અડોઅડ હવે દીવાલ આવી ગઈ છે. આવી સ્થિતિમાં વધુ જગ્યા આપવી શક્ય નથી.
શું કહ્યું પ્રાંત અધિકારીએ?
આ મામલે નવસારીના પ્રાંત અધિકારી જનમ ઠાકોરે જણાવ્યું કે, પૂર્ણા નદી પર જૂના પુલના સ્થાને નવો પુલ બનાવવા 3 નવેમ્બરે અધિસૂચના બહાર પડાઈ હતી. હવે નિયમ મુજબ R&B નેશનલ હાઇવે ડિવિઝન અને DILRના સર્વેયર દ્વારા માપણી હાથ ધરાઈ હતી.

