અંબાજીઃ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં પોષી પૂનમ (પ્રાગટ્યોત્સવ) પર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવાસમિતિ દ્વારા જગતજનની મા જગદંબાના પ્રાગટ્યદિનની ભવ્ય ઉજવણી કરાઈ. 3 જાન્યુઆરીએ પોષી પૂનમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં માના જ્યોતસ્થાન ગબ્બરની અખંડ જ્યોત અને ગબ્બર પર્વત ફરતે આવેલાં 51 શક્તિપીઠનાં મંદિરોથી પણ જ્યોતનો અંશ અંબાજી મંદિરે લવાયો હતો. ગબ્બરથી લાવેલી જ્યોતને મુખ્ય મંદિરની જ્યોતમાં મિલાવાઈ હતી. જે બાદ માતાજી ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઈ નગરયાત્રાએ નીકળ્યાં હતાં.
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શનિવારે પોષ સુદ પૂનમ નિમિત્તે અમદાવાદના જય ભોલે ગ્રૂપ દ્વારા માતાજીનાં ચરણોમાં આશરે રૂ. 43.51 લાખની કિંમતનો સુવર્ણ મુગટ અર્પણ કરવામાં આવ્યો.

