ભરશિયાળે માવઠુંઃ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદ

Tuesday 06th January 2026 15:11 EST
 
 

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વર્ષ 2025ના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો સહિત દ્વારકા, પોરબંદર અને કચ્છના ઘણા વિસ્તારોમાં માવઠું પડ્યું હતું.
સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ સહિત અન્ય જિલ્લાના ગ્રામ્ય પંથકના વિવિધ તાલુકા અને વિસ્તારોમાં માવઠું થયું હતું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું. દ્વારકા, કલ્યાણપુર અને આસપાસનાં ગામોમાં પણ ઝરમર વરસાદ નોંધાયો. આ માવઠા કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જો કે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડકનો અનુભવ પણ થયો છે. ખાસ કરીને શિયાળુ પાક ઘઉં, ચણા, તુવેર, જીરું અને ધાણાના વાવેતરને આ વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
કચ્છના રાપરના ખેંગારપર ગામે માવઠાની આગાહીના પગલે બપોરે ઝાપટાં પડ્યાં અને શેરીઓમાં પાણી વહી નીકળ્યાં હતાં. આ માવઠાથી ખેડૂતો ચિંતિત બન્યા છે, જ્યારે કચ્છના હાજીપીર તરફના રણકાંધી વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો છે.
બનાસકાંઠાના સુઈગામ તાલુકાના મોરવાડા, જલોયા, બેણપ, સૂઈગામ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. આ માવઠાના પગલે ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતોને તેમના શિયાળુ પાકોને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે. કમોસમી માવઠાને લીધે શિયાળુ પાકોમાં જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા સેવાઈ રહી છે.


comments powered by Disqus