આણંદઃ આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનારા ખેડૂત ભરતભાઈ પઢિયાર પર જીવલેણ હુમલો કરાયો છે. આક્ષેપ છે કે ગામનાં મહિલા સરપંચ, પતિ અને મળતિયાઓએ મળીને ભરતભાઈ પર પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ મામલે પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે, ભરત પઢિયારે પોતાના શરીર પર જાતે જ આગ લગાવી હતી. આ નિવેદન બાદ આ ઘટનાની તપાસની દિશા બદલાઈ છે.
હુમલાનો આરોપ
આંકલાવના અંબાવ ગામે સરપંચ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવનારા ભરત પઢિયારને જીવતો સળગાવવાનો આરોપ લાગ્યો છે. ભોગ બનનારા ભરત પઢિયારના જણાવ્યા અનુસાર ઇકો ગાડીમાં આવેલા હુમલાખોરોએ તેમનો રસ્તો રોક્યો હતો. તેમણે ગાડીથી ઉતરી બોલાચાલી શરૂ કરી અને સીધો જ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલમાં દાખલ ભરત પઢિયારની ફરિયાદ બાદ પોલીસે ગામનાં મહિલા સરપંચ કોકિલાબહેન પઢિયાર, તેમના પતિ દિનેશ પઢિયાર, રાકેશ પઢિયાર, નિલેશ અને અન્ય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીઓનાં નિવેદન લેવાની સાથે સ્થાનિક લોકોનાં પણ નિવેદન લેવાઈ રહ્યાં છે.
પોલીસની સ્પષ્ટતાથી ઘટનામાં નવો વળાંક
આંકલાવ પોલીસે ઘટના અંગેના વાઇરલ વીડિયો અને સ્થળ પર હાજર લોકોનાં નિવેદનો લીધાં છે. ફરિયાદમાં સરપંચ અને અન્ય લોકો પર ખોટા આક્ષેપ થયાની પોલીસે સ્પષ્ટતા કરી છે. સામે આવેલા વીડિયોના આધારે કહેવામાં આવ્યું છે કે, ભરત પઢિયારે જાતે આગ લગાવી છે. જેથી હવે આ મામલો વધુ પેચીદો બન્યો છે.

