માંજો બનાવી આત્મનિર્ભર બન્યાં પોરબંદરનાં 80 વર્ષીય વૃદ્ધા

Tuesday 06th January 2026 15:11 EST
 
 

પોરબંદરઃ હૈયું અને હામ બંને હિમાલય જેવાં ઊંચા રાખી સંઘર્ષને વરેલાં પોરબંદરનાં 80 વર્ષનાં વૃદ્ધા એકલા હાથે મહેનત કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે. પોરબંદરના શારદા મંદિર નજીક રહેતાં મણિબહેન મોહનલાલ ટાકોચિયા 40 વર્ષથી જાતે પતંગ બનાવી અને જાતે દોરી પાઈને પતંગનો વ્યવસાય કરી રહ્યા છે.
મણિબહેને જણાવ્યું હતું કે, 1984થી તેઓ પતંગ અને દોરીના વ્યવસાય સાથે જોડાયેલાં છે. પતિ- પત્નીએ સાથે મળીને આ વ્યવસાય શરૂ કર્યો હતો. તેમના પતિ મોહનલાલ ભેળનો વ્યવસાય કરતા હતા અને મણિબહેન પતંગનો વ્યવસાય સંભાળતાં હતાં. 4 વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થતાં હાલ મણિબહેન એકલા હાથે પતંગનો વ્યવસાય ચલાવે છે. મણિબહેન 80 વર્ષની વયે પતંગ બનાવે છે અને ચરખા મારફતે દોરીને માંજો પીવડાવે છે. મણિબહેન દોરી પીવડાવવામાં માસ્ટર થઈ ગયાં છે, જેથી અનેક લોકો તેમની પાસે જ દોરી રંગાવવાનો આગ્રહ રાખે છે.
મોહનલાલ ભેળની લારી અને મણિબહેન પતંગ-દોરીના વ્યવસાયમાં મહેનત કરી સારી કમાણી કરી હતી. પતિના અવસાન બાદ આ કમાણીથી મણિબહેને વિદ્યુત સ્મશાન ભૂમિ ખાતે રૂ. 12 લાખનું દાન આપી પોતાની દિલેરી બતાવી હતી. 80 વર્ષની વયે મણિબહેનના આત્મનિર્ભર જીવન અને દિલેરી અન્ય લોકોને અને ખાસ કરીને વૃદ્ધોને પ્રેરણા પૂરી પાડી રહ્યાં છે.


comments powered by Disqus