રાજ્યસભા ચૂંટણીઃ ભાજપનું એકલા હાથે બહુમતી તરફ આગળ વધવાનું લક્ષ્ય

Tuesday 06th January 2026 15:49 EST
 
 

નવી દિલ્હીઃ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં ચાલુ વર્ષે ચૂંટણી છે. તેમાં કુલ 71 બેઠક માટે ચૂંટણી છે. તેમા હાલમાં એનડીએના 129 સાંસદ છે અને યુપીએના 80 સાંસદ છે. તેમાં કોંગ્રેસની સૌથી વધુ 27 સીટ છે. આના પગલે યોજાનારી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ તેના 103ના આંકડાને આગળ વધારીને હવે એકલા હાથે રાજ્યસભામાં બહુમતી તરફ આગળ વધવાનું લક્ષ્ય ધરાવે છે.
તેની સાથે 6 મંત્રીઓનો કાર્યકાળ પૂરો થવાનો છે. તેના પગલે હવે તે વાત પર નજર રહેશે કે શું કેબિનેટમાં ફેરફાર થશે. આ ફેરફારને રાજયસભા ચૂંટણી સાથે જોડીને પણ જોવાઈ રહ્યો છે. રાજ્યસભામાં ખાલી પડનારી 71 બેઠકો પછી સૌથી શરમજનક સ્થિતિ માયાવતીના પક્ષ બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ની હશે. તેનું કારણ એ હશે કે લોકસભા પછી રાજ્યસભામાં પણ માયાવતીનાં સૂપડાં સાફ થઈ જશે. બીજી બાજુ રાજ્યસભામાં વિપક્ષની તાકાતમાં વધુ ઘટાડો થશે અને એનડીએની તાકાતમાં વધારો થશે.
રાજ્યસભામાં 6 મંત્રીનો કાર્યકાળ પૂરો થાય છે તેમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, સહકારી રાજ્યમંત્રી બી.એલ. વર્મા, કેન્દ્રીય સંચાર તેમજ ઉત્તર-પૂર્વ વિકાસ રાજ્યમંત્રી રામનાથ ઠાકુર, રેલવે અને ખાદ્ય પ્રસંસ્કરણ રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુ, લઘુમતી મામલાના મંત્રી જ્યોર્જ કુરિયન અને સામાજિક ન્યાયમંત્રી રામદાસ આઠવલેનો સમાવેશ થાય છે.
તેમાં હરદીપસિંહ પુરી અને બી.એલ. વર્મા ઉત્તરપ્રદેશથી ભાજપના સાંસદ તરીકે ચુંટાયા છે. બંનેનો રાજ્યસભામાં કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. હવે તેમનું પુનરાગમન થાય છે કે નહીં તે જોવું મહત્ત્વનું રહેશે.
આંકડા મુજબ 71 પૈકી ભાજપના જ 30 સાંસદ નિવૃત્ત થવાના છે. ભાજપના કુલ 103 સાંસદો છે અને તેણે નિવૃત્ત થાય છે તેના કરતાં પણ વધારે સાંસદો ચૂંટવાના છે. તેથી રાજ્યસભા ચૂંટણીના પગલે ભાજપની સભ્ય સંખ્યા વધી શકે છે અને તે એકલા હાથે બહુમતીની નજીક પહોંચી શકે છે.
કોંગ્રેસના 8 સાંસદ નિવૃત્ત થવાના છે. તેમા પક્ષપ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાદેશિક દળોના 8 સાંસદ નિવૃત્ત થઈ રહ્યા છે.


comments powered by Disqus