વડાપ્રધાન સોમનાથથી ગુજરાત પ્રવાસનો આરંભ કરશે

Tuesday 06th January 2026 15:12 EST
 
 

અમદાવાદઃ ભારતની સંસ્કૃતિ અને આસ્થાના પ્રતીકસમાન સોમનાથ મંદિર પર ભારત બહારથી આવેલા મદમૂદ ગઝનીએ પહેલો હુમલો કર્યાના એક હજાર વર્ષ પૂર્ણ થયાં છે. આ હુમલા પછી અનેક વખત આક્રાંતાઓએ હુમલા કર્યા અને વખતોવખત તેનું નવસર્જન કરાયું છે.
છેલ્લે આઝાદ ભારતમાં 75 વર્ષ પૂર્વે તેનું નવનિર્માણ કરાયું હતું. આ ઇતિહાસની તવારિખોને લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનાં આયોજન વિચારાયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભે એક લેખ લખ્યો છે અને આગામી રવિવારે 11 જાન્યુઆરીએ બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન પોતાના પ્રવાસનો આરંભ સોમનાથ દાદાનાં ચરણોમાં શિશ ઝુકાવીને કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રીકાળ 2003થી રોકાણકારોને આકર્ષવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી હતી. હવે આ સમિટને રાજ્યના ચાર અલગ-અલગ રિજિયનમાં યોજવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે નિર્ણય કર્યો છે. આ રિજિયન કોન્ફરન્સની બીજી શ્રેણી રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરીએ યોજનારી છે, તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી કરશે. તેઓ સોમનાથથી સીધા રાજકોટ પહોંચશે.
આ સમગ્ર વાઇબ્રન્ટ ગુજરાત રિજિયન કોન્ફરન્સને લઈને સોમવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પ્રભારી મંત્રી જિતુ વાઘાણીએ રાજકોટમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્ય કે, વડાપ્રધાન 11 જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે. તેનાથી સૌરાષ્ટ્ર, કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે..
12 જાન્યુઆરીએ અમદાવાદની મુલાકાતે
રાજકોટ વાઇબ્રન્ટ કોન્ફરન્સને ખુલ્લી મૂક્યા બાદ વડાપ્રધાન અમદાવાદ પહોંચશે. અહીં તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનારી ઇન્ડો-ઈયુ સમિટનું ઉદ્ઘાટન કરશે. આની સાથોસાથ તેઓ વડાપ્રધાન તરીકે પહેલી વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરે તેવી પણ શક્યતા છે. રિવરફ્રન્ટના પશ્ચિમી છેડે વલ્લભસદન પાસેના ભાગમાં હાલ યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન આ જ ભાગમાં પાલડી નજીક ઇવેન્ટ સેન્ટર પાસે શરૂ થયેલા ફ્લાવર-શોની પણ મુલાકાત લઈ શકે છે.
એક માહિતી મુજબ જર્મન ચાન્સેલર સાથે વડાપ્રધાન રિવરફ્રન્ટ પહોંચી શકે છે અને ત્યાંથી ફ્લાવર- શોની મુલાકાત લઈ બંને મહાનુભાવો એસપી સ્ટેડિયમથી મેટ્રો ટ્રેનમાં બેસી મહાત્મા મંદિર પહોંચશે. હાલ મેટ્રો ટ્રેન સચિવાલય સુધીના સ્ટેશને જાય છે. સચિવાલયથી મહાત્મા મંદિર સુધીનાં બાકીનાં સ્ટેશનો તૈયાર થઈ ગયાં છે, જેને વિધિવત્ રીતે વડાપ્રધાન મારફતે ખુલ્લાં મુકાય તે દિશામાં હાલ તૈયારી શરૂ થઈ છે. જર્મન ચાન્સેલરના સ્વાગત માટે ખુદ વડાપ્રધાન મોદી સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે હાજર રહે તેવી શક્યતા છે.


comments powered by Disqus