US, યુકે, ઓસ્ટ્રેલિયાથી આવનારનું હવે અમદાવાદ એરપોર્ટ પર જ ઈમિગ્રેશન થશે

Wednesday 07th October 2026 06:21 EDT
 
 

અમદાવાદઃ કેન્દ્રના હબ-એન્ડ-સ્પોક મોડલ હેઠળ ગત 1 ઓક્ટોબરથી એર ઇન્ડિયાએ અમદાવાદથી દિલ્હીની બે ‘ઇઝી કનેક્ટ' ફ્લાઇટ સેવા શરૂ કરી હતી. હવે દિલ્હીથી અમદાવાદ આવતી બે ફ્લાઇટ AI 1118 અને AI 1120નો 25 ઓક્ટોબરથી આ મોડેલ હેઠળ સમાવેશ કરાયો છે. આ બંને ફલાઇટમાં અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર સહિત 17 દેશોથી અમદાવાદ આવતા પેસેન્જરોને દિલ્હી એરપોર્ટ પર લગેજ લેવાની ઝંઝટ અને કસ્ટમ ઇમિગ્રેશન પ્રક્રિયા કરવી પડશે નહીં.
અત્યાર સુધી વિદેશથી આવતા પેસેન્જરને દિલ્હી એરપોર્ટ પર કનેક્ટિંગ ફ્લાઈટ વચ્ચે ત્રણ કલાકનું અંતર રાખવું પડતું હતું, કારણ કે કનેક્ટિંગ ફ્લાઇટ માટે ફરી કસ્ટમ અને ઇમિગ્રેશનમાં ઘણો સમય જતો હતો અને હાલાકી પડતી હતી. જો કે હવે અમદાવાદ એરપોર્ટ પર જ આ સેવા મળવાથી લોકોને રાહત મળશે. અમદાવાદ એરપોર્ટ પર જ પેસેન્જરની કસ્ટમ્સ-ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થશે.
રૂ. 30 હજાર કરોડનો ધંધો
અખાતી દેશોમાં ડાઇવર્ટ
અમદાવાદથી વિદેશ અવરજવર કરનારા પેસેન્જર દિલ્હીમાં કસ્ટમ ઇમિગ્રેશનની ઝંઝટથી છુટકારો મળે તે માટે એરઇન્ડિયાના બદલે એમિરેટ્સ, કતાર ઇતિહાદ જેવી અખાતી દેશોની એરલાઇનોમાં ટિકિટ બુક કરતા હતા, આમ વર્ષે રૂ. 30 હજાર કરોડનો ધંધો ભારતથી ખેંચી લેવાતો હતા. હબ એન્ડ સ્પોક મોડલથી રેવન્યુનો મોટો લાભ ઇન્ડિયન કેરિયરને થશે.


comments powered by Disqus