મહેસાણાઃ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવા ઇચ્છતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સામાં ગાંધીનગર, ગોઝારિયા અને વડસ્માનાં ત્રણ યુવક-યુવતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી એજન્ટોએ આફ્રિકન દેશ ઇથોપિયામાં બંધક બનાવ્યાં હતાં. વિદેશ મંત્રાલય અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી ત્રણેયને મુક્ત કરાવી વતન પરત લવાયાં છે.
સૂત્રો અનુસાર એજન્ટ હાર્દિક પટેલ અને અલ્પેશ પંચાલે અમેરિકા મોકલવા માટે રૂ. 60 લાખ પડાવી લીધા હતા, છતાં યુવકોને અમેરિકા મોકલવાના બદલે ઇથોપિયામાં બંધક બનાવી પરિવારજનો પાસેથી વધુ રૂ. 1 કરોડની ખંડણી માગી હતી. વિદેશ મંત્રાલય અને પોલીસના પ્રયાસોથી મુક્ત કરાયેલા ઋત્વિક શૈલેશભાઈ જનસારી, મમતા ચિરાગ ચાવડા અને મયૂરી ચૌહાણ મુંબઈ એરપોર્ટ પર ઊતર્યા બાદ કાર મારફતે વતન પરત ફર્યાં હતાં. ગેરકાયદે અમેરિકા જવાનો પ્રયાસ કર્યો હોવાથી પરિવારો મીડિયા સમક્ષ બોલવા તૈયાર નથી. ગંભીર બાબત એ છે કે લાખોની ઠગાઈ છતાં હજુ સુધી મુખ્ય એજન્ટો વિરુદ્ધ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.
બીજી તરફ વડસ્માના પૂર્વ સરપંચે એજન્ટો અને પોલીસની મિલીભગતનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, બાળકો સહી-સલામત પરત આવી ગયાં છે, પરંતુ એજન્ટોએ વિદેશ મોકલવા માટે રૂ. 70થી 75 લાખ જેટલી મોટી રકમ લીધી હતી. આટલા રૂપિયા આપવા છતાં બાળકોને વિદેશમાં 8થી 9 દિવસ સુધી બંધક રહી પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મહત્ત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી ઉત્તર ગુજરાતનાં કેટલાંય ગામોમાંથી ડંકી રૂટ દ્વારા વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે, જેમાં લેભાગુ એજન્ટો લાખો રૂપિયા વસૂલ કરીને લોકોને ફસાવી રહ્યા છે.
