ઊંઝાઃ કડવા પાટીદાર સમાજની વૈશ્વિક સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના નવા પ્રમુખ તરીકે પૂર્વ આઇએએસ અધિકારી અને વર્તમાન ટ્રસ્ટી મહેન્દ્રભાઈ એસ. પટેલની સર્વાનુમતે પસંદગી કરાઈ છે. 4 ઓક્ટોબરે ઉમેશ્વર હોલની કારોબારી સભામાં આ નિર્ણય લેવાયો હતો. મહેન્દ્ર પટેલ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે.
મહેન્દ્ર પટેલે કહ્યું, આ સંસ્થાનમાં કોઈ હોદ્દેદાર રાજકારણ સાથે જોડાયેલો હોય તે અલગ બાબત છે, પરંતુ રાજકારણ અને અહંકાર બંનેને સંસ્થાની બહાર રાખવાં પડશે. સંસ્થામાં વ્યક્તિગત પોલિટિક્સ કે અહંકારને સ્થાન નથી. આ સાથે તેમણે નવી પેઢીને શિક્ષણ, વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરવા કાર્યક્રમો યોજવા પર ભાર મૂક્યો હતો.

