સુરતઃ દાઉદી વ્હોરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ અને તેમના સ્વર્ગસ્થ પિતા સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબની જન્મજયંતી નિમિત્તે વાઇઝ (ધર્મસભા) યોજાઈ હતી. આ પ્રસંગે ભારત અને વિદેશથી આશરે 85 હજાર અનુયાયીઓ સુરત એકઠા થયા હતા.
સૈયદના સૈફુદ્દીન સાહેબે કલાકારના ગુણોનું દૃષ્ટાંત આપતાં જણાવ્યું કે, જેમ એક કલાકાર મનમાં ચિત્ર વિચારીને તેને જીવંત કરે છે, તેમ દરેક વ્યક્તિએ સ્પષ્ટતા, હેતુ અને સંતુલન સાથે પોતાનું જીવન ઘડવું જોઈએ. તેમણે સૌહાર્દપૂર્ણ જીવન જીવવા અને પડોશીઓ પ્રત્યે પ્રેમ તથા કરુણા દાખવવા સંદેશ આપ્યો હતો. આ ઉજવણી દાઉદી વ્હોરા સમાજના વાર્ષિક શૈક્ષણિક અને અભ્યાસ કાર્યક્રમ ‘ઇસ્તિફાદા ઇલ્મિયા’ના સમાપનનું પણ પ્રતીક છે. ઉજવણીની પૂર્વ સંધ્યાએ ઝાંપા બજાર ખાતે એક થીમ આધારિત જુલૂસ યોજાયું હતું, જેને સૈયદના સાહેબે ઐતિહાસિક દેવડી મુબારક ખાતેથી નિહાળ્યું હતું.

