કાચી માટી ચાકડે ચડાવી આંગળીની કરામતથી તૈયાર થતા ગરબા

Wednesday 07th October 2026 06:21 EDT
 
 

જૂનાગઢઃ આજના ડિજિટલ અને ઝડપી યુગમાં નવરાત્રી પર્વ પર પણ ચાઇનીઝ પ્રોડક્ટ, પ્લાસ્ટિક અને પીઓપીની વસ્તુઓનું આક્રમણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગરબા બનાવવાનો ધંધો કરતા પરિવાર પોતાની પેઢી દર પેઢીની પરંપરાને જીવંત રાખતાં પ્રાચીન સંસ્કૃતિ અને પર્યાવરણના જતનનું રક્ષણ કરે છે.
નવરાત્રીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જૂનાગઢના કુંભારવાડાના પ્રજાપતિ પરિવાર દ્વારા નવરાત્રી માટે ખાસ આકર્ષક અને પરંપરાગત ગરબા તૈયાર કરાઈ રહ્યા છે. વંશપરંપરાગત માટીકામના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પરિવાર સાથે મળીને આ તહેવાર માટે વિશેષ તૈયારી કરી રહ્યા છે.
આધુનિકતાના ઝંઝાવાત સામે લડીને પ્રજાપતિ પરિવાર આજે ચાકડા પર માટીના પવિત્ર ગરબા કંડારી રહ્યા છે. પરંપરાગત ધાર્મિક માન્યતા અનુસાર માતાજીના ગરબા કાચી માટીથી જ બનાવાય છે, જેથી નવરાત્રી પૂર્ણ થયા બાદ ઘરે જ તુલસી ક્યારામાં સરળતાથી તેનું વિસર્જન થઈ શકે. મંદિરો કે બહાર મૂકવાથી થતા અનાદર અને ખંડિત થવાના ભય સામે આ ઇકોફ્રેન્ડલી ગરબા ઉત્તમ અને પવિત્ર વિકલ્પ પૂરો પાડે છે. આ તમામ ગરબાઓ બહારથી જ અલગ-અલગ પ્રકારની ખાસ માટી લાવીને પરંપરાગત ચાકડા પર જ બનાવાય છે.


comments powered by Disqus