ત્રીજું સંતાન જન્મે તો પાટીદાર સમાજ દ્વારા દંપતીને રૂ. 50 હજાર અપાશે!

Wednesday 07th October 2026 06:20 EDT
 

ભુજઃ કચ્છ કડવા પાટીદાર સમાજમાં ઘટતી જતી વસ્તીને કારણે ઊભા થતા સામાજિક અસંતુલનને દૂર કરવાના પ્રયાસરૂપે સમાજના દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા બાળપ્રોત્સાહન યોજના શરૂ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવી પેઢીમાં સંતાન અંગેની વિચારસરણીમાં સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી શરૂ કરાયેલી આ યોજનામાં બીજા સંતાન પછી જન્મ લેનારા બાળકને રૂ. 50 હજારની એફડી સ્વરૂપે પ્રોત્સાહક સહાય અપાશે. સુરતના કડોદરા ખાતે બાબુભાઈ જાદવાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી દક્ષિણ ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
યોજના મુજબ 13 સપ્ટેમ્બર, 2026 બાદ દક્ષિણ ગુજરાત સનાતન સમાજના આજીવન સભ્યને ત્યાં બીજા સંતાન પછી જન્મ લેનારા દરેક સંતાન- ભલે તે દીકરો હોય કે દીકરી—માટે દક્ષિણ ગુજરાત ઝોન સમાજ દ્વારા રૂ. 50 હજારની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સ્વરૂપે પ્રોત્સાહક સહાય અપાશે.
સાથે જ યોજનામાં શિક્ષણ અને આરોગ્ય સહાયની પણ જોગવાઈ કરાઈ હોવાનું ઝોનના પૂર્વ પ્રમુખ રમેશભાઈ પારસિયાએ જણાવ્યું હતું. સમાજમાં અગાઉ પ્રચલિત ‘અમે બે, અમારા બે’ની માનસિકતાથી આગળ વધીને નવી પેઢીના સંતાન અંગેના વિચારોમાં પરિવર્તન લાવવાની દિશામાં આ યોજનાને મહત્ત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાત ઝોન હેઠળ કુલ 26 ઘટક સમાજ કાર્યરત્
કચ્છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોન હેઠળ કુલ 26 ઘટક સમાજ કાર્યરત્ છે. ઝોન દ્વારા સમાજના સભ્યોના વિકાસ, શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ અને સહાય યોજનાઓનું સંચાલન કરાઈ રહ્યું છે. તેમાં હવે બાળ પ્રોત્સાહન યોજનાનો ઉમેરો થતાં સમાજના ભવિષ્ય અને નવી પેઢીને ધ્યાનમાં રાખીને એક નવી પહેલ શરૂ થઈ છે.


comments powered by Disqus