પારસી પંચાયતની કરોડોની જમીન બોગસ પેઢીનામાથી હડપવા કારસો

Wednesday 07th October 2026 06:21 EDT
 

સુરતઃ સુરત પારસી પંચાયતની કરોડોની જમીન હડપ કરવાના કારસામાં વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. કરંજની જમીનના આ વિખવાદમાં સુરત પારસી પંચાયતના પ્રમુખ ડો. હોમી દારબશાહ દૂધવાલાએ ન્યાય માટે પોલીસનું શરણું લઈ ગાંધીનગરના દહેગામ તાલુકાના બદપુર ગામે ઠાકોર સમાજના પરિવારના ચોથા પુત્ર તરીકેનું બોગસ પેઢીનામું સહિતના દસ્તાવેજો પર સવાલ ઊભા કરી તપાસની માગ કરી છે. સુરત પારસી પંચાયતના પ્રમુખ ડો. હોમી દૂધવાલાએ વરાછા પોલીસ સ્ટેશનમાં પિપલોદના દિનશા કાવસજી ઘડિયાળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ કરંજની પારસી પંચાયતની જમીનના રખેવાળ બહેરામશા સૌરાબખાન હતા. તેમના નિધન બાદ તેમના કહેવાતા વિલનો આધાર લઈ દિનશા ઘડિયાળીએ પોતાનું નામ ગણોતિયા તરીકે દાખલ કરવા અરજી કરી હતી. હકીકતમાં બહેરામશા બિનવારસી ગુજરી ગયા હતા અને તેમના વિલમાં ક્યાંય પણ દિનશા ઘડિયાળીને મિલકત-જમીન તબદીલ કરી ગયાનો ઉલ્લેખ નથી.
કૃષિપંચમાં ચાલતા કેસમાં પોતે ખેડૂત હોવાનું સાબિત કરવા દિનશા ઘડિયાળીએ એક મોટું ષડયંત્ર રચ્યું હતું. દિનશા ઘડિયાળીએ ગાંધીનગરના બદપુર ગામના રહેવાસી છબાભાઈ અમરાભાઈ ઠાકોરના પરિવારમાં પોતાને ચોથા પુત્ર (કાવાસભાઈ છબાભાઈ) તરીકે દર્શાવ્યા હતા.


comments powered by Disqus