નવી દિલ્હીઃ ભાજપે ઉત્તર પ્રદેશથી રાજ્યસભા માટે પોતાના નવા 8 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. જાહેર થયેલા ઉમેદવારોની યાદીમાં જેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરી સહિત આઠેય સાંસદોનાં નામ નથી. ભાજપે વર્ષ 2026ની રાજ્યસભા ચૂંટણી માટે 8 નવા જ ચહેરા મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવાર યાદીમાં ધર્મપાલ સિંહ, રાધાકાંત ઓઝા, પ્રકાશ પાલ, વિદ્યાસાગર સોનકર, ગોપીકૃષ્ણ પાંડે, પ્રિયંકાસિંહ રાવત, રામપ્રતાપ સિંહ ચૌહાણ તેમજ શ્રુતિ ગંગવારના નામનો સમાવેશ થાય છે. ભાજપની યાદીમાં ઓબીસીના 3, અનુસૂચિત જનજાતિના 2 તેમજ સામાન્ય વર્ગના 3 ઉમેદવારોને સામેલ કરાયા છે. 8 પૈકી બે મહિલા ઉમેદવાર છે. ઉમેદવારોમાં બે બાહ્મણ અને એક રાજપૂત ઉમેદવારનો સમાવશ થાય છે.
ઓબીસી વર્ગમાં એક ઉમેદવાર પાલ, એક લોધી તેમજ એક કુર્મી ઉમેદવાર છે. જેમના નામની પસંદગી થઈ છે તે ધર્મપાલસિંહ લોધી સમુદાયના છે અને યોગી સરકારમાં કેબિનેટ મંત્રીપદ સંભાળી રહ્યા છે. પ્રકાશપાલ સંગઠન મંત્રી છે અને પાલ સમુદાયના છે. ઓબીસી સમુદાયમાં પાલને ગડરિયા બિરાદરીના માનવામાં આવે છે. વિદ્યાસાગર સોનકર દલિત સમુદાયના છે.
