યુસીસીના અમલનો તખતો તૈયારઃ રાષ્ટ્રપતિની મંજૂરી

જાતિ અને ધર્મવિશેષના વિશેષાધિકારો સમાપ્ત થશે

Wednesday 07th October 2026 06:21 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) 2026ના વિધેયકને સપ્ટેમ્બરમાં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળ્યા બાદ સરકારે તેને ગેઝેટમાં પ્રસિદ્ધ કર્યું છે. તેની સાથે જ ભારતમાં ઉત્તરાખંડ પછી ગુજરાત યુસીસીને અમલમાં મૂકનારા બીજા રાજ્ય તરીકે ઊભર્યું છે. 1 ઓક્ટોબરથી તેનો અમલ થતાં હવે ગુજરાતમાં જાતિ, ધર્મ કે સમૂહ તરીકે મળેલા વિશેષાધિકારો સમાપ્ત થયા છે. ગુજરાતના તમામ નાગરિકો માટે એક જ કાયદો અને એક ન્યાયનો સિદ્ધાંત અમલમાં રહેશે. કાયદામાં અગાઉ થયેલા ભૂતકાળનાં લગ્નોને પણ આવરી લેવાયાં હોવાથી અમલ પછીના કાળમાં છેતરપિંડીથી થતાં લગ્નોના કિસ્સામાં ન્યાયનો રસ્તો ખૂલશે.
ગુજરાત સમાન નાગરિક સંહિતા-2026 (UCC)ના અમલથી લગ્ન, વારસદારો, મિલકત વહેંચણીથી લઈને તમામ પ્રકારની ધર્મવિશેષ કે જાતિવિશેષ વ્યવસ્થાનો અંત આવશે. આ કાયદા હેઠળ તમામ માટે લગ્નની નોંધણી ફરજિયાત બનાવાઈ છે. માત્ર લગ્ન જ નહીં, લીવઇન રિલેશનમાં રહેતી વ્યક્તિઓ માટે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે. એટલું જ નહીં આ પ્રકારના સંબંધથી જન્મેલાં બાળકોને પણ સંપત્તિમાં વારસદાર તરીકેનો અધિકાર અને મહિલાને ભરણપોષણનો અધિકાર પ્રાપ્ત થશે. આ કાયદામાં બહુપત્નીત્વ પ્રતિબંધિત છે. અલબત્ત આદિવાસી સમૂહને તેમની રૂઢિ-પરંપરા અનુસાર કેટલીક છૂટછાટ અપાઈ છે.
વિતેલાં કેટલાક વર્ષોથી ગુજરાતમાં ઓળખ છુપાવીને થતાં લગ્નોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. આવા કિસ્સામાં કાયદાકીય રક્ષણ મળે તે ઉદેશથી કડક જોગવાઈ સાથે જેલ અને દંડની સજાઓનું પ્રાવધાન થયું છે. અલબત્ત લઘુમતી સમુદાયમાં કઝિન સિસ્ટર સાથે લગ્નની માન્ય પરંપરા યથાવત્ રહી છે.
UCC કોને લાગુ પડશે?
ગુજરાતમાં અને બહારના પ્રદેશોમાં રહેતા ગુજરાતના રહેવાસીઓને કાયદો લાગુ પડશે. કાયદાના અમલ પહેલાં અને પછીનાં તમામ લગ્નોને આવરી લેવાયાં છે.
UCC કોને લાગુ લાગુ નહીં પડે ?
આદિજાતિના સભ્યો અને બંધારણે જેમના પરંપરાગત અધિકારો સુરક્ષિત કર્યા છે તેવી વ્યક્તિઓ અને જૂથોને આ કાયદામાંથી છૂટછાટ અપાઈ છે.
ત્રણ મુખ્ય વિષયોમાં સમાનતા
1. લગ્ન અને છૂટાછેડાઃ લગ્નના 60 દિવસમાં જ લગ્ન નોંધણી ફરજિયાત રહેશે, નહીં તો રૂ. 10થી 25 હજાર સુધીનો દંડ થશે. બહુપત્નીત્વ અર્થાત્ પતિ કે પત્ની હયાત હોય અને કાયદેસર છૂટાછેડા ન લીધા હોય ત્યાં પુન: લગ્ન પર પ્રતિબંધ રહેશે. માત્ર ધર્મના આધારે એકતરફી છૂટાછેડા નહીં થઈ શકે. આવા કિસ્સામાં સાત વર્ષ સુધીની કેદની જોગવાઈ કરાઈ છે.
2. સંપત્તિ-વારસા હકઃ પૈતૃક સંપત્તિમાં પુત્ર જેટલો જ પુત્રીનો સમાન હક રહેશે. જો મિલકતના માલિકનું અવસાન થાય અને તે વેળા બાળક ગર્ભમાં હોય તો પણ જન્મ બાદ સંપત્તિમાં સમાન અધિકારની જોગવાઈ રહેશે. ધર્મના આધારે અલગ-અલગ અર્થઘટન નહીં થઈ શકે. જો કોઈ વ્યક્તિએ વસિયત ન કરી હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો અને પત્ની સૌને સરખે હિસ્સે મિલકત મળશે.
3. લીવઇન રિલેશનઃ લીવઇન નોંધણી ફરજિયાત કરાવવી પડશે. જો ભાગીદારની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો વાલીને જાણ કરવી ફરજિયાત રહેશે. એક મહિનાથી વધુ સમય નોંધણી વગર લીવઇનમાં રહ્યા તો ત્રણ મહિનાની જેલ અથવા રૂ. 10 હજાર સુધીના દંડની જોગવાઈ છે. લીવઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે તેમજ સંબંધ તૂટવાના કિસ્સામાં ત્યક્તાને પણ ભરણપોષણનો અધિકાર મળશે.


comments powered by Disqus