વાણિયા, પટેલ, બ્રાહ્મણો મેલું ઉપાડે તો મહિને રૂ. 50 હજાર આપીશ

Wednesday 07th October 2026 06:20 EDT
 
 

ગાંધીનગરઃ કોંગ્રેસમાં પુનઃ પ્રવેશની વાતો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં જ સામાજિક-રાજકીય સમીકરણોમાં નવાં વમળો સર્જ્યાં છે. સાગબારામાં આદિવાસીઓના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં વાઘેલાએ કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા અને તુષાર ચૌધરી સાથે મંચ પર હાજર રહીને અદ્દલ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની સ્ટાઇલમાં પછાત વર્ગોનો પક્ષ લઈને નિવેદન આપ્યું છે. ભાજપને તેમણે અનામત વિરોધી ગણાવીને કહ્યું કે, અનામત શોષિત વર્ગોનું છે, તેમના ઉત્થાન માટે લાગુ કરાયું છે. તેનો વિરોધ કરનારા વાણિયા-બ્રાહ્મણ અને પટેલો માથે મેલું ઉપાડીને બતાવે, અમે મહિને રૂ. 50 હજાર આપીશું. તેમણે અનામત વર્ગના લોકોને પારો ચડાવતાં કહ્યું કે, ગુજરાતની કુલ વસ્તીમાં તમારું પ્રમાણ 70 ટકા છે.
રસ્તા પર ઉતરીશું
શંકરસિંહના આ નિવેદન બાદ સમગ્ર રાજ્યનો પાટીદાર, બ્રાહ્મણ અને જૈન સમાજ આકરાં પાણીએ થયો છે અને શંકરસિંહ વાઘેલા સામે મોરચો ખોલી દીધો છે. આ સાથે એવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે કે, શંકરસિંહ વાઘેલાના જાહેર કાર્યક્રમનો વિરોધ કરાશે અને જરૂર પડશે તો અનામત આંદોલનની જેમ રસ્તા પર પણ ઉતરીશું.
રાજકીય-સામાજિક સમીકરણો બદલાશે
વાઘેલાનું આ નિવેદન મુદ્દો બનતાં આગામી ચૂંટણીમાં રાજકીય અને સામાજિક સમીકરણો બદલાઈ શકે છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આંશિક સફળતા મેળવી હતી, તેમાં ભાજપે ગુજરાતમાં સૌથી વધુ અનામત વર્ગ ધરાવતી બનાસકાંઠા બેઠક ગુમાવી હતી. જે રીતે વાઘેલાએ કહ્યું કે, ગુજરાતમાં અનામત વર્ગની વસતી 70 ટકા છે તે સૂચવે છે કે અનામત વર્ગો પર મોટો દાવ ખેલાવા જઈ રહ્યો છે.


comments powered by Disqus