25 વર્ષ અગાઉ વીજ કરંટથી બંને હાથ ગુમાવ્યા, છતાં ટ્રેક્ટર-જીપ ચલાવી ખેતી કામ કરી રહ્યા છે

Wednesday 08th April 2026 05:46 EDT
 
 

ભુજઃ અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો' આ કહેવતને લખપત તાલુકાના છેવાડે આવેલા સરહદી વિસ્તાર નરા (પંજાબીવાંઢ)ના 54 વર્ષીય હરજીન્દ્રસિંઘ રાયશીખે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે. 25 વર્ષ પહેલાં એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી દેવા છતાં, તેઓ આજે જાતે ટ્રેક્ટર અને જીપ ચલાવી હસતા મુખે ગુજરાન ચલાવી રહ્યા છે.
વર્ષ 1965ના ભારત-પાક યુદ્ધ બાદ કેન્દ્ર સરકાર દ્વારા કચ્છની સરહદને સુરક્ષિત કરવા સશક્ત લોકોને વસાવવાની નીતિ અંતર્ગત નરામાં મોટી સંખ્યામાં શીખ પરિવારોને જમીન આપી વસાવાયા હતા. વર્ષ 2001માં કચ્છમાં અપૂરતા વરસાદને કારણે રોજગારી માટે હરજીન્દ્રસિંઘ પંજાબ ગયા હતા. ત્યાં એક વાડીમાં ખેતીકામ કરતાં વીજ કરંટ લાગતાં બંને હાથ ગુમાવવા પડ્યા હતા.
પંજાબથી નરા આવ્યાં બાદ તેમણે ખેતરમાં માતા-પિતા અને પત્નીને મદદ કરવાનું શરૂ કર્યું. અદમ્ય ઇચ્છાશક્તિથી તેઓ બંને હાથ ન હોવા છતાં ટ્રેક્ટર ચલાવતા શીખ્યા અને તેમાં સફળતા પણ મેળવી. એટલું જ નહીં તેઓ ખેતરમાં દવાનો છંટકાવ કરવા હેન્ડપંપ પણ ચલાવી લે છે. તેમની હિંમતને પત્નીના અતૂટ સાથનો ટેકો મળ્યો છે. હાથ ન હોવાથી જમવા માટે ક્યારેક પત્ની તો ક્યારેક પુત્ર તેમને જમાડે છે.
હરજીન્દ્રસિંઘે જણાવ્યું કે, જ્યારે હાથ કપાઈ ગયા ત્યારે વિચાર્યું કે, બીમાર માતા-પિતા, પત્ની અને બે પુત્રીઓનું ગુજરાન હવે કેવી રીતે ચાલશે ? દવાખાનામાં મેં એવા અનેક લોકોને જોયા જેમની પાસે હાથ-પગ કે આંખો ન હતી, છતાં તેઓ હિંમતભેર જીવી રહ્યા હતા. બસ ત્યાંથી જીવન જીવવાની હિંમત આવી ગઇ હતી.


comments powered by Disqus