ICGS શૌર્યની પોરબંદર ખાતે કાયમી તહેનાતી

Wednesday 08th April 2026 05:47 EDT
 
 

પોરબંદરઃ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ જહાજ ‘ICGS શૌર્ય’ને 1 એપ્રિલ 2026થી પોરબંદર ખાતે કાયમી ધોરણે તહેનાત કરી દેવામાં આવ્યું છે. અગાઉ ચેન્નાઈમાં કાર્યરત્ આ જહાજ હવે અરબી સમુદ્રમાં કોસ્ટ ગાર્ડની ઓપરેશનલ તાકાતમાં મોટો વધારો કરશે.
ICGS શૌર્ય ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત ‘સમર્થ ક્લાસ’નું ઓફશોર પેટ્રોલ વેસલ છે. આ સ્વદેશી જહાજ આશરે 105 મીટર લાંબું અને 2300 ટન વજન ધરાવે છે, જે 23 નોટિકલ માઇલની મહત્તમ ઝડપે ગતિ કરવાની ક્ષમતા ધરાવે છે. તે સતત 20 દિવસ સુધી દરિયામાં રહીને 6000 નોટિકલ માઈલ સુધીનો પ્રવાસ ખેડી શકે છે. આ જહાજ પર ‘HAL ધ્રુવ’ જેવાં હેલિકોપ્ટર ઉતારી શકાય તેવી વ્યવસ્થા હોવાથી સર્ચ અને રેસ્ક્યૂ કામગીરીમાં તે અત્યંત મદદરૂપ સાબિત થશે.
સૂત્રોએ જણાવ્યું કે, આ જહાજની તહેનાતીનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સરહદ પર સઘન દેખરેખ રાખવાનો અને માછીમારોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે.


comments powered by Disqus