રાજકોટઃ એશિયાના સૌથી મોટાં જહાજવાડા અલંગ-સોસિયામાં નાણાકીય વર્ષ 2025-26માં 119 સમુદ્રી જહાજોને તોડી પાડવામાં આવ્યા છે. અગાઉના વર્ષ કરતા સંખ્યામાં થોડો વધારો જરૂર થયો છે પરંતુ ડાર્કફ્લિટની સંખ્યા વધી છે.
2025-26માં કુલ 119 જહાજમાંથી 10,87447.01 ના લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ મળ્યું હતુ. જોકે એ પૈકી 24 જહાજ ડાર્ક અથવા શેડો ફ્લિટ તરીકે ઓળખાતા જહાજ હતા. જેનું પ્રમાણ 3,45,021.59 એલડીટી અર્થાત 31.72 ટકા હતું. એલડીટી જહાજના હલ, મશીનરી, સાધનો અને સ્પેરપાર્ટ્સના વજનને દર્શાવે છે. તેના આધારે જહાજો ભંગાર માટે વેચાય છે.
2025-26માં રિસાયક્લિંગ માટે દરિયા કિનારે મોકલવામાં આવેલા 119 જહાજોમાં 25 સામાન્ય કાર્ગો જહાજો, 46 ટેન્કર, 15 બલ્ક કેરિયર્સ, નવ રીફર જહાજો, આઠ કન્ટેનર જહાજો, આઠ એલએનજી જહાજો, બે ઓફશોર યુનિટ, બે પાઇપ લેઇંગ બાર્જ અને એક-એક ટગ, એલપીજી, ફિશ ફેક્ટરી અને પેસેન્જર જહાજોનો સમાવેશ થાય છે તેમ અલંગ શિપ રિસાયક્લર્સ સંગઠને કહ્યું છે.
2024-25માં અલંગમાં 113 જહાજો તોડી પાડવામાં આવ્યા હતા. જે કુલ 10,06199 એલડીટી વજનના હતા.
શિપ રિસાયકલર્સ કહે છે કે વધતા નૂર દરોને કારણે કાફલાના માલિકોને તેમના જૂના જહાજો ચલાવવાની ફરજ પડી છે, જેના પરિણામે તોડવા માટે વેચાતા જહાજોની સંખ્યા ઓછી થઈ ગઈ છે.
ઈરાનમાં એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધથી જૂના અને ભાંગવા માટે મંજૂર કરાયેલા જહાજોનો વ્યવસાય વધુ થઈ રહ્યો છે, જેના કારણે તેઓ ભંગારમાં જવાને બદલે નફાકારક બનીને સમુદ્રમાં તરી રહ્યા છે.

