ઇરાન યુદ્ધની અસરઃ ગુજરાતમાં રબર ઉદ્યોગનાં 100 કારખાનાં બંધ

Wednesday 08th April 2026 05:47 EDT
 
 

અમદાવાદઃ ઇરાન-અમેરિકા વચ્ચે છેલ્લા એક માસથી ચાલી રહેલા યુદ્ધના કારણે ગુજરાતના રબર ઉદ્યોગને માઠી અસર થઈ છે. ગુજરાતમાં 100 એકમોને તાળા વાગી ગયા છે. કાચા માલના અભાવે 50 % ઉત્પાદન ઘટી ગયું છે. ગુજરાતમાં વાર્ષિક 4,000 કરોડનું માર્કેટ ધરાવતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, કામદારો માટે રોજીરોટીનો પ્રશ્ન સર્જાઈ ગયો છે. ગુજરાતમાં 1,000 જ્યારે અમદાવાદમાં રબરના 400 કારખાના છે. જે વટવા, રખિયાલ, નરોડા, દૂધેશ્વર, ઓઢવ ખાતે આવેલા છે. હાલ આ કારખાના કામદારો બેકાર થઈ ગયા છે.
આ અંગે ગુજરાત રબર મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા મુજબ રબર પેટ્રોલિયમ બાય પ્રોડક્ટ છે. ઈરાન યુદ્ધના કારણે ફૂડના ભાવ એકાએક વધતા, શિપિંગરેટ ત્રણ ગણો વધી જતા હાલ કાચા માલની ભારે અછત વર્તાઇ રહી છે. ચાઈના, કોરિયા, રશિયાથી આવતા કાચોમાલના ભાવમાં 50 થી 60 % નો ભાવ વધારો થયો છે. સિન્થેટિક રબરમાં 30 થી 40 % જ્યારે નાઇટ્રાઇલ રબરમાં 100 % નો ભાવ વધારો થઇ ગયો છે. જેના કારણે ઉત્પાદન અને સપ્લાઈ ચેઈન ખોરવાઈ ગઈ છે. હાલ ગુજરાતમાં રબર ઉદ્યોગનું વાર્ષિક 4,000 કરોડનું અને ભારતમાં 20,000 કરોડનું માર્કેટ છે. ગુજરાતમાંથી દક્ષિણ આફ્રિકા, યુરોપ, ગલ્ફના દેશો અને પશ્ચિમ એશિયાના દેશોમાં થતી નિકાસ હાલ નોંધપાત્ર રીતે ઘટી ગઇ છે.


comments powered by Disqus